નવી દિલ્હી– હૃદયનો ઈલાજ પહેલા કરતાં હવે વધુ સસ્તો થયો છે. મેડિકલ ઈક્વીપમેન્ટની કીમતો નક્કી કરનારી સંસ્થા નેશનલ ફાર્માસ્યુટિક્લ પ્રાઈઝિંગ ઓથોરિટી(એનપીપીએ)એ હાર્ટના ઓપરેશનમાં ઉપયોગમાં લેવાતા સ્ટેન્ટની કીમતોમાં ફરીથી વધુ ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે.એનપીપીએ ઓપરેશનમાં ઉપયોગમાં લેવાતા અન્ય સાધનો જેવા કે કેથેટર, બલુન અને ગાઈડ વાયરની કીમતોને લઈને જરૂરી નિર્દેશો જાહેર કર્યા છે.
એનપીપીએ સોમવારે કીમતોમાં ફેરફાર કરતાં ડ્રગ ઈલૂથિંગ સ્ટેન્ટ્સ(ડીઈએસ)ની કીમતોમાં વધુ રુપિયા 2300નો ઘટાડો કર્યો છે. આ ઘટાડા પછી સ્ટેન્ટની કીમત હવે રુપિયા 28,000ની નીચે આવી ગઈ છે. જો કે બેયર મેટલ સ્ટેન્ટ્સની કીમતોમાં રુપિયા 260નો વધારો પણ કરાયો છે. તેની કીમત રુપિયા 7400થી વધીને રુપિયા 7660 થઈ ગઈ છે. આ ભાવમાં જીએસટી સામેલ નહીં હોય.
અત્રે નોંધનીય છે કે ભારતમાં હૃદયની સારવારમાં 95 ટકા ડ્રગ ઈલૂથિંગ સ્ટેન્ટ્સનો ઉપયોગ થાય છે. સીધી ભાષામાં કહીએ તો હવે સ્ટેન્ટ્સ સસ્તા થઈ ગયા છે. જેથી હવે હૃદયની બિમારીવાળા લોકોને રાહત થશે.
નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈઝિંગ ઓથોરિટીની પાસે એવી ફરિયાદો આવતી હતી કે હોસ્પિટલોમાં એન્જિયોપ્લાસ્ટીમાં ઉપયોગમાં લેવાતાં કેથેટર, બલુન અને ગાઈડ વાયરની કીમતો વાજબી કીમત કરતાં વધુ વસૂલવામાં આવે છે. એવી ફરિયાદો પણ મળી હતી કે આ સાધનો પર આયાત કોસ્ટની સરખામણીએ 150થી 400 ટકા નફો વસૂલવામાં આવી રહ્યો છે. આને ધ્યાન પર લેવા એનપીપીએ હોસ્પિટલ બિલમાં 5 ટકા જીએસટીની સાથે કેથેટર, બલુન અને ગાઈડ વાયરની કીમતો અલગથી દર્શાવવાનું કહ્યું છે. નવા ભાવ મંગળવારથી લાગુ થઈ જશે.