રોકાણકારો માટે ખુશખબર: કોમોડિટી ટ્રેડિંગ પર ટ્રાન્જેક્શન ચાર્જ નહીં વસૂલે BSE

નવી દિલ્હી- કોમોડિટી બજારના રોકાણકારો માટે ખુશીના સમાચાર છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) પર હવેથી કોમોડિટી ડેરિવેટિવ્સના કારોબારમાં કોઈ પણ પ્રકારની ટ્રાન્જેક્શન ચાર્જ ચૂકવવો નહીં પડે. બીએસઈ 1લી ઓક્ટોબરથી કોમોડિટીમાં ટ્રેડિંગની શરુઆત કરવા જઈ રહ્યું છે.બીએસઈના જણાવ્યા અનુસાર તેમના એક્સચેન્જ પર કોમોડિટીમાં ટ્રેડિંગ શરુ કરવાના પ્રથમ વર્ષમાં રોકાણકારો પાસેથી કોઈપણ પ્રકારનો ટ્રાન્જેક્શન ચાર્જ નહીં વસૂલવાનો નિર્ણય કર્યો છે. બીએસઈ હવેથી સોનાચાંદીની સાથે કોમોડિટી ડેરિવેટિવમાં પણ ટ્રેડિંગ શરુ કરવા જઈ રહ્યું છે. ત્યાર બાદ એનર્જી અને પછી એગ્રી કોમોડિટીમાં ટ્રેડિંગ શરુ કરશે. વર્તમાનમાં નોન એગ્રી કોમોડિટીમાં મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએકસ)નો દબદબો છે. તેથી હવે ભારતીય માર્કેટમાં એમસીએક્સ માટે પ્રતિસ્પર્ધા વધશે.

બીએસઈ તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, બીએસઈનું માનવું છે કે, તેમનું કોમોડિટી ડેરિવેટિવ પ્લેટફોર્મ યોગ્ય કિંમતો નક્કી કરવામાં મદદરૂપ અને ગ્રાહકોને અનુકુળ હશે.

બીએસઈના એમડી અને સીઈઓ આશિષ કુમાર ચૌહાણે કહ્યું કે, અમેને વિશ્વાસ છે કે, 1 ઓક્ટોબરથી કોમોડિટી ડેરિવેટિવમાં બીએસઈનો પ્રવેશ ઘણા નવા ઘંઘાર્થીઓને કોમોડિટી બજાર સાથે જોડવામાં મદદ કરશે. જેના કારણે વર્તમાનની હાજર બજાર અને કોમોડિટી ડેરિવેટિવ બજારની વચ્ચે સંબંધ મજબૂત બનશે.

તો બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)નું કહેવું છે કે, તે શ્રાદ્ધપક્ષ પૂર્ણ થયાં બાદ આગામી 12 ઓક્ટોબરથી કારોબાર શરુ કરશે, શ્રાદ્ધપક્ષમાં કોઈ પણ નવા કાર્યની શરુઆત શુભ માનવામાં નથી આવતું. એનએસઈ સૌપ્રથમ સોનું અને ચાંદીમાં ટ્રેડિંગ શરુ કરશે, આ ઉપરાંત મિની ગોલ્ડ કોન્ટ્રાક્ટ પણ શરુ કરશે જે નાના રોકાણકારોને સૌથી વધુ લલચાવે છે. ઉલ્લેખનીય છે કે, કોમોડિટી ડેરિવેટિવ શરુ કરવા માટે એનએસઈને ગત 21 સપ્ટેમ્બરે જ સેબીનું મંજૂરી મળી ગઈ છે.