શું એ નીરવ મોદીની ‘ઐયારી’ હતી?

છેલ્લા બે દિવસથી સતત સમાચારમાં ગાજેલા ડાયમંડ-જ્વેલર નીરવ મોદીની જ્યારે ‘ચિત્રલેખા’એ ત્રણ મહિના પહેલા મુલાકાત લીધી હતી…

આજે (16 ફેબ્રુઆરીએ) નીરજ પાંડેની ઈન્ડિયન આર્મીના ભેદ-ભરમની પૃષ્ઠભૂ પર રચાયેલી ‘ઐયારી’ રિલીઝ થઈ. ફિલ્મ જોતી વખતે મને ત્રણેક મહિના પહેલાંની મારી નીરવ મોદી સાથેની મુલાકાત યાદ આવી ગઈ. ઐયારનો અર્થ થાય છે છળકપટ કરવા જાતજાતના વેશ ધારણ કરતો બહુરૂપી. શું મારી સામે બેસીને દુનિયાભરની ડાહી ડાહી વાત કરનારો યુવાન, 47 વર્ષી ઝવેરી નીરવ મોદી ‘ઐયાર’ હતો?

મૂળ પાલનપુરી જૈન તથા એક સમયે જેની અસ્ક્યામતનો આંકડો 11,237 કરોડ રૂપિયા હતો એ નીરવ મોદીને આજે પંજાબ નેશનલ બૅન્ક સાથે અબજો રૂપિયાના ફ્રૉડ બદલ પોલીસ શોધી રહી છે.

હવે વાત મારી મુલાકાતની. 2017ના ડિસેમ્બરમાં ‘ચિત્રલેખા’નો ‘વેડિંગ વિશેષાંક’ બહાર પાડવાનો હતો તે માટે નીરવ મોદીની મુલાકાતનો તખ્તો ગોઠવાયો. ત્રણેક મહિના પહેલાં ગુજરાતી પ્રકાશનને આપેલી એ સર્વપ્રથમ મુલાકાત હતી. ઍપોઈન્ટમેન્ટ લેવામાં આવી અને પહોંચ્યો હું મુંબઈમાં લોઅર પરેલ પર ‘પૅનિન્સ્યુલા બિઝનેસ પાર્ક’માં. અહીં વીસમા માળે નીરવ મોદીની કંપની ‘ફાયરસ્ટાર ડાયમન્ડ’ની ઑફિસ છે. હું નિયત સમય કરતાં થોડો વહેલો પહોંચ્યો. ફૉયરમાં સિક્યોરિટીએ વેબ કૅમ પર મારો ફોટો લીધો, હું જ ‘ચિત્રલેખા’નો પત્રકાર કેતન મિસ્ત્રી છું એવું કન્ફર્મ કરી મને વીસમા માળે જવા કહ્યું. આખો વીસમો માળ નીરવ મોદીનો હતો (રાધર, છે). જેટલી વિશાળ ઑફિસ એટલી જ વિશાળ એની કેબિન. “કેમ છો? મજામાં?” જેવી ઔપચારિકતા બાદ નીરવે વાત શરૂ કરી. મારે ખાસ તો એની અત્યાર સુધીની સફર તથા જ્વેલરીના લેટેસ્ટ ટ્રેન્ડ્સ, વગેરે વિશે વાત કરવાની હતી. થોડા સવાલ એને આગોતરા ઈમેલથી મોકલેલા પણ ખરા. આમ વાતો શરૂ થઈ…

અહીં મારે કબૂલવું છે કે એકાદ કલાકની મિટિંગમાં મને અંદેશોસરખો આવ્યો નહીં કે ગણતરીના દિવસોમાં એનું દેશને હચમચાવી દેનારું આટલું મોટું સ્કૅમ બહાર આવશે. દર વર્ષે દુનિયાના માલેતુજારોની યાદી બહાર પાડતું જગવિખ્યાત ‘ફૉર્બ્સ’ મેગેઝિન પણ શું થાપ ખાઈ ગયું? જે તે વ્યક્તિની જાણબહાર પોતાની મેળે રીસર્ચ કરીને આ લિસ્ટ બહાર પાડવામાં આવે છે, જેના પુરાવા રૂપે કંપનીની કામગીરી, એના આંકડા પણ આપે છે.

જોધપુરના મહારાજા ગજસિંહ સાથે નીરવ

ખેર. મારી મુલાકાત પર પાછો ફરું તો, નીરવ મૃદુભાષી, માપીતોળીને વાત કરતા હતા. ક્યાંયે ડંફાસ કે બડાશ નહીં, પૂછે એ એટલો જ જવાબ આપે. એન્ટવર્પમાં જન્મેલા નીરવનું બાળપણ ત્યાં વીત્યું. સ્કૂલિંગ બાદ એ અમેરિકાની ‘વ્હાર્ટન’માં એમબીએ કરવા ગયા, પણ અધવચ્ચેથી અભ્યાસ છોડી મુંબઈમાં મામા મેહુલ ચોકસીની હીરાની પેઢીમાં નોકરી લીધી. મહિને સાડા ત્રણ હજાર રૂપિયા પગાર, અઠવાડિયામાં અડધો દિવસની રજા. નોકરીના ભાગ રૂપે ફોરેનના ગ્રાહકો સાથે વાટાઘાટ કરવાની, ત્યાં દિવસ પડે ને અહીં રાત એટલે કામના કલાકો પણ લંબાઈ જાય. 1999માં નોકરી છોડી પાંચસો ચોરસફૂટની ઑફિસમાં, પંદર કર્મચારી સાથે નીરવે પોતાનું કામકાજ શરૂ કર્યું. આજે 1200થી વધુ કર્મચારી છે.

નીરવ મોદી સાથે ‘ચિત્રલેખા’ના કેતન મિસ્ત્રી

મુંબઈ, દિલ્હીથી લઈને ન્યૂ યૉર્કના મેડિસન એવેન્યૂ, યુરોપ, મિડલ ઈસ્ટ, વગેરે દેશોમાં ‘નીરવ મોદી સ્ટોર્સ’નો ચિતાર આપ્યો. મને ડાયમન્ડ જ્વેલરીનું લેટેસ્ટ કલેક્શન પણ બતાવ્યુઃ “હું પ્રકૃતિપ્રેમી છું, સતત ફરતો રહું છું, અને નવી ડિઝાઈન્સની પ્રેરણા કુદરત પાસેથી, રંગબેરંગી પુષ્પો, પર્ણ, પાસેથી મેળવું છું’. કાંડાંની સાઈઝ પ્રમાણે નાનું-મોટું થઈ જતું ‘એમ્બ્રેસ બેંગલ’ બતાવતાં કહ્યું કે “આની પ્રેરણા મારી દીકરીને એના હૅરબૅન્ડ સાથે રમતી જોઈને મળી.”

આજે જ્યારે ‘નીરવ મોદી…ધિક્કાર, નીરવ મોદી ધિક્કાર…’ના નારા ચારે બાજુ ગુંજી રહ્યા છે ત્યારે થાય છે કે હું જેને મળેલો એ નીરવ મોદી કોણ? શું ત્યારે એ કોઈ સ્વાંગમાં હતો?

(નીરવ મોદીએ ‘ચિત્રલેખા’ને વધુમાં શું કહ્યું હતું? વિગતવાર લેખ વાંચવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)… https://chitralekha.com/niravmodijewels.pdf

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]