નંદન નિલેકણી સહિત ભારતીય મૂળના અબજપતિઓ દાન કરશે અડધી સંપત્તિ

નવી દિલ્હીઃ ઈન્ફોસિસના સંસ્થાપક અને ચેરમેન નંદન નિલેકણી, તેમની પત્ની રોહિણી નિલેકણી અને ભારતીય મૂળના ત્રણ અબજપતિઓ પોતાની અડધી સંપત્તિ દાન કરશે. હકીકતમાં આ લોકો બિલ અને મેલિંડા ગેટ્સ અને વોરેન બફેટ દ્વારા શરૂ કરવામાં આવેલી પરોપકારી પહેલ સાથે જોડાયાં છે કે જેઓ પોતાની સંપત્તિનો અડધાથી વધારે ભાગ ચેરિટી કાર્યો માટે દાનમાં આપવાના છે.

ગિવિંગ પ્લેઝ સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું કે નિલેકણી, અનિલ અને એલસિન ભુસરી, શમશેર અને શબીના વાયાલિલ, બીઆર શેટ્ટી અને તેમની પત્ની ચંદ્રાકુમારી રઘુરામ શેટ્ટી આ લોકો એવા 14 પરોપકારી લોકોમાંથી છે કે જેઓ ગત વર્ષે તેમની સાથે જોડાયાં છે. 2010માં અમેરિકી પરોપકારીઓ સાથે આની શરૂઆત કરવામાં આવી હતી અને હવે 22 દેશોના 183 લોકો સુધી પહોંચી ગયાં છે.

આ 8 વર્ષમાં પરોપકારનો આ પ્રયત્ન આંતરરાષ્ટ્રીય સ્તર પર વધતો ગયો અને આમાં કેનેડા, ભારત, યૂએઈ અને યુએસના પરોપકારી લોકો જોડાઈ રહ્યા છે. બિલ અને મેલિંડા ગેટ્સ અને વોરેન બફેટ દ્વારા શરૂ કરવામાં આવેલી મલ્ટી જનરેશન ઈનિશિએટિવ દુનિયાના સૌથી ધનીક પરોપકારીઓને તેમની અડધી સંપત્તિ ચેરિટેબલ કામોમાં ખર્ચ કરવા માટે પ્રતિબદ્ધ કરે છે.