નવી સરકારનો એજન્ડા તૈયાર: PSU બેંકોમાં મોટા ફેરફારની શકયતા

નવી દિલ્હી: આગામી સમયમાં PSU બેન્કોમાં મોટા ફેરફાર થઈ શકે છે. સરકારના એજન્ડામાં સૌથી ઉપર સરકારી બેન્કોનું કોન્સોલિડેશન છે, જેના નિર્દેશોની યાદી અલગથી તૈયાર થઈ રહી છે. સુત્રોના જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં EASE (એન્હેન્સ્ડ એક્સેસ એન્ડ સર્વિસ એક્સેલન્સ) પ્રોગ્રામ દ્વારા બીજા તબક્કાના સુધારા શરૂ કરવામાં આવશે.

PSU બેન્કોને સંભવિત મર્જર અને એક્વિઝિશનના મૂલ્યાંકન માટે યોગ્ય એન્ટિટી પસંદ કરવા જણાવાયું છે. સરકારે ગયા વર્ષે EASE પ્રોગ્રામ હેઠળ PSU બેન્કો માટે સુધારાની પ્રક્રિયા શરૂ કરી હતી. જેના ભાગરૂપે બેન્કોની જોખમ લેવાની ક્ષમતાના માળખાને આધારે બોર્ડ દ્વારા મંજૂર કરાયેલા વ્યૂહાત્મક વિઝન નક્કી કરવા જણાવ્યું હતું.

નાણામંત્રાલયના એક અધિકારીના જણાવ્યા અનુસાર બે મહિનાથી અમે PSU બેન્કો સાથે ચર્ચા અને સમીક્ષા કરી રહ્યા છીએ. ટૂંક સમયમાં અમે યોગ્ય અને સ્વચ્છ ધિરાણ માટેનાં પગલાં જાહેર કરીશું. ચાલુ વર્ષે EASE પ્રોગ્રામ દ્વારા દાખલ કરાયેલા કામગીરીના નવા માપદંડમાં સ્ટ્રેસ્ડ એસેટ્સના ઉકેલ માટે વધુ કડક અર્લી વોર્નિંગ સિગ્નલ્સ (EWS), મોટા મૂલ્યના લોનનું અસરકારક સંકલન તેમજ નાણાંકીય સર્વસમાવેશિતા અને ડિજિટાઇઝેશનને વિસ્તારવાનો સમાવેશ થાય છે.

અન્ય સૂચન બોર્ડની મેનેજમેન્ટ સમિતિના પુનર્ગઠનનું છે. આ સમિતિ મોટા મૂલ્યની લોન અંગે નિર્ણય લે છે. બેન્ક્સ બોર્ડ બ્યૂરો (BBB)એ તમામ PSU બેન્કમાંથી 80 ચીફ જનરલ મેનેજર્સ (CGMs)ને પસંદ કર્યા છે. તેમને અમેરિકાની કેલોગ સ્કૂલ ઓફ મેનેજમેન્ટ જેવી વિશ્વસ્તરની મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં તાલીમ અપાશે. અધિકારીએ જણાવ્યું હતું કે, PSU બેન્કોમાં ભાવિ વડાઓ તૈયાર કરવા આ પ્રક્રિયા થઈ રહી છે. ઉપરાંત, બેન્કોના મહત્ત્વના પદ પર કામ કરતા લોકોમાં જે તે હોદ્દા માટે જરૂરી જ્ઞાનનો મુદ્દો પણ ઉકેલવો જરૂરી છે.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સરકારે EASE રેન્કિંગ સિવાયની બાબતો પર ધ્યાન આપવું જોઈએ અને PSU બેન્કોને ડિફરન્શિયેટેડ બેન્કિંગ માટે આગ્રહ કરવો જોઈએ. ભારતની બેન્કિંગ સમસ્યાઓ માટે મર્જર કોઈ જાદુઈ ઉકેલ નથી. બ્રાન્ચની સંખ્યામાં ઘટાડો અને બિઝનેસ મિક્સની મદદથી નાની બેન્કો મજબૂત પ્રાદેશિક હાજરી અને માર્કેટ સેગમેન્ટ પર પકડનો લાભ લઈ શકે.