કેશબેક અને એક્સક્લુઝીવ ડીલ પર રોક, ઈ-કોમર્સ પોલીસી બદલાઈ

નવી દિલ્હીઃ દેશમાં ઓનલાઈન શોપિંગનો વ્યાપાર બદલાવા જઈ રહ્યો છે. સરકારે ઈ-કોમર્સ કંપનીઓ પર જે નવા નિયમો લાગુ કર્યા છે તેના બાદ એક્સક્લુઝીવ ડીલ, કેશબેક અને બમ્પર ડિસ્કાઉન્ટ જેવી વસ્તુઓ ખતમ થઈ જશે. સરકારે ઈ કોમર્સ સેક્ટર માટે પ્રત્યક્ષ વિદેશી રોકાણની નીતિ બદલી નાંખી છે.

આનાથી એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી કંપનીઓને મોટો ઝાટકો લાગ્યો છે તો સ્થાનિક વ્યાપારીઓનો ગુસ્સો શાંત કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે કે જેઓ આ કંપનીઓની કામ કરવાની પદ્ધતીથી નારાજ છે.

પોલિસીમાં નવો નિયમ જોડવામાં આવી રહ્યો છે જે અનુસાર ઈ-કોમર્સ પ્લેટફોર્મ સાથે જોડાયેલો કોઈપણ એકમ સામાનનું વેચાણ નહી કરી શકે. આ સાથે જ કોઈપણ ઈ-કોમર્સ સાઈટ પર એક વેન્ડર કેટલો સામાન વેચી શકે છે તેની પણ મર્યાદા નક્કી કરવામાં આવી છે.

આનાથી ઈ-કોમર્સ સેક્ટરની કંપનીઓને પોતાના બિઝનેસ મોડલમાં બદલાવ કરવો પડશે. સરકારના નવા નિયમો અનુસાર કોઈ ઈ-કોમર્સ પ્લેટફોર્મ કોઈ સપ્લાયરને સ્પેશિયલ કન્સેશન નહી આપી શકે. આ સંશોધન બાદ કેશબેક, એક્સક્લુઝીવ સેલ અથવા કોઈ પોર્ટલ પર એક બ્રાન્ડનું લોન્ચ, એમેઝોન પ્રાઈમ અને ફ્લિપકાર્ટ એશ્યોર્ડ જેવી ડીલ અથવા કોઈપણ પ્રકારની ખાસ સેવા આપવામાં કંપનીઓને તકલીફ પડી શકે છે. આપને જણાવી દઈએ કે નવા નિયમોનો ઉદ્દેશ્ય આ પ્લેટફોર્મ્સને કોઈપણ પ્રકારના પક્ષપાતથી મુક્ત કરવાનો છે.

આનો સીધો અર્થ એ પણ કહી શકાય કે હવે ગ્રાહકોને પહેલાની જેમ કોઈપણ ઈ-કોમર્સ સાઈટ્સ પર મોટા ડિસ્કાઉન્ટ નહી મળે. આનાથી ફિઝિકલ સ્ટોર્સને ફાયદો થઈ શકે છે કે જેમના બિઝનેસમાં ઈ-કોમર્સ કંપનીઓએ રોડા અટકાવ્યા હતા. વ્યાપારી વર્ગ સતત ફરિયાદ કરતો હતો કે ઈ-કોમર્સ કંપનીઓ પોતાના પ્લેટફોર્મ પર સામાનનું વેચાણ કરીને માર્કેટને પ્રભાવિત કરી રહી છે. તેમના અનુસાર આ પ્રત્યક્ષ વિદેશી રોકાણના નિયમોની વિરુદ્ધ પણ હતું. જેમાં બિઝનસ-ટુ-કન્ઝ્યુમર ઈ-કોમર્સમાં આ પ્રકારના રોકાણ પર રોક છે.

જો કે બિઝનસ-ટુ-બિઝનસ ઈ-કોમર્સમાં સરકારે 100 ટકા એફડીઆઈની મંજૂરી આપી છે. ઈ-કોમર્સ નીતિમાં બદલાવની જાણકારી ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ડસ્ટ્રિયલ પોલિસી એન્ડ પ્રમોશને આપી છે. તેમણે જણાવ્યું કે નવા નિયમો 1 ફેબ્રુઆરી 2019થી લાગુ થશે. સરકાર એક અલગ ઈ-કોમર્સ પોલીસી પર પણ કામ કરી રહી છે જેના માટે મંત્રાલયો વચ્ચે વિમર્શ થઈ ગયો છે.

એક અન્ય બદલાવથી ઈન્વેન્ટરી સંબંધીત શરતોને કડક બનાવાઈ છે. આમાં કહેવાયું છે કે જો કોઈ વેન્ડર માર્કેટપ્લેસ એન્ટિટી અથવા તેની ગ્રુપ કંપનીઓથી 25 ટકાથી વધારે સામાન ખરીદે છે તો માનવામાં આવશે કે ઈન્વેન્ટરી પર માર્કેટપ્લેસનો કન્ટ્રોલ છે. આનો અર્થ એ છે કે કોઈ બ્રાંડ અથવા સપ્લાયર કોઈ એક માર્કેટપ્લેસ સાથે કોઈ ખાસ સંબંધ નહી બનાવી શકે. અત્યારે મોબાઈલ ફોન અથવા વાઈટ ગુડ્સના મામલાઓમાં આવું દેખાઈ રહ્યું છે.

નવી નીતિ અનુસાર માર્કેટ પ્લેસ અથવા તેના સીધા અથવા પરોક્ષ રુપથી ઈક્વિટી અથવા કોમન કંટ્રોલ વાળી અન્ટિટીને પક્ષપાત વગર વેન્ડરોને સર્વિસ આપવાની રહેશે. આનાથી કેશબેક અથવા ફાસ્ટર ડિલીવરી જેવી પ્રમોશનલ સ્કીમ્સ પણ પ્રભાવિત થઈ શકે છે. નવી નીતિમાં આને ભેદભાવ વાળુ માનવામાં આવ્યું છે.

વ્યાપારીઓના સંગઠન કનફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડે ઈ-કોમર્સ કંપનીઓ દ્વારા ઉત્પાદનોના વેચાણથી સંબંધીત નિયમોને કડક કરવાના સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણયનું સ્વાગત કર્યું છે. જો કે કૈટે આ સાથે જ ઈ-કોમર્સ નીતિ લાવવા અને ક્ષેત્રની દેખરેખ માટે નિયામક બનાવવાની માંગણી કરી છે.

કૈટના મહાસચિવ પ્રવીણ ખંડેવાલે જણાવ્યું કે અમારા લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષ બાદ આ એક મોટી ઉપ્લબ્ધિ છે. જો આને યોગ્ય રીતે લાગુ કરવામાં આવશે તો ઈ-કોમર્સ કંપનીઓ દ્વારા મોટી ગડબડી, બજાર બગાડનારા મૂલ્ય અને મોટી છૂટ સહિત પર લગામ લાગી શકશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]