નવી લેવાલીથી શેરબજારમાં મજબૂતીઃ સેન્સેક્સ વધુ 115 પોઈન્ટ વધ્યો

અમદાવાદ– શેરબજારમાં સતત બીજી ટ્રેડિંગ સેશનમાં મજબૂતી આગળ વધી હતી. ગ્લોબલ માર્કેટના નેગેટિવ ન્યૂઝ પાછળ ભારતીય શેરોના ભાવ નીચા ખુલ્યા હતા, જો કે બેંક શેરોની રાહબરી હેઠળ નવેસરથી લેવાલી નીકળી હતી, પરિણામે મજબૂતીની આગેકૂચ રહી હતી. બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ માઈનસ હતા, તેમ છતાં ઈન્ડેક્સ બેઈઝ્ડ શેરોમાં નવી લેવાલી રહી હતી, ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 115.27(0.35 ટકા) વધી 33,370.63 બંધ રહ્યો હતો, તેમજ નિફટી ઈન્ડેક્સ 33.20(0.33 ટકા) વધી 10,171.05 બંધ થયો હતો.ટ્રેડ વૉરના ટેન્શનને કારણે અમેઝોન, માઈક્રોસોફટ સહિત ટેકનોલોજી સ્ટોકમાં ભારે વેચવાલીથી અમેરિકન સ્ટોક માર્કેટમાં પ્રેશર રહ્યું હતું. ડાઉ જોન્સ 459 પોઈન્ટ અને નેસ્ડેક  193 પોઈન્ટ ગબડ્યો હતો. જેની પાછળ એશિયાના તમામ સ્ટોક માર્કેટ ગબડ્યા હતા. સ્થાનિક શેરબજારમાં એપ્રિલનો નવો ફયુચર-ઓપ્શન કોન્ટ્રેક્ટ શરૂ થયો છે. જેમાં તેજીવાળા ખેલાડીઓ નવેસરથી લેવાલી કાઢી હતી, અને તેજીની નવી પોઝીશન બનાવી રહ્યા છે. સરકારી બેંકોની સાથે ઓટો અને એફએમસીજી સેકટરના શેરોમાં જોરદાર ખરીદીથી બજારને સપોર્ટ મળ્યો હતો.

  • સોમવારે એફઆઈઆઈએ રૂપિયા 689 કરોડના શેર વેચ્યા હતા. જ્યારે સ્થાનિક નાણા સંસ્થાઓએ રૂ.413 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી.
  • માર્ચ મહિનામાં જીએસટી કલેક્શન રૂપિયા 90,000 કરોડ સુધી પહોંચી ગયું છે. ડાયરેક્ટ ટેક્સ કલેક્શન પણ 17 ટકા જેટલું વધી ગયું છે. ઈન્કમ ટેક્સ અને કોર્પોરેટ ટેક્સ કલેક્શન પણ વધ્યું છે. તેમજ કેન્દ્ર સરકાર રાજકોષીય ખાદ્યનું લક્ષ્યાંક પુરુ કરવામાં સફળ થશે, તેમ કહેવાઈ રહ્યું છે.
  • રોકડાના શેરોમાં ઈન્વેસ્ટમેન્ટ રૂપી નવી લેવાલી આવી હતી. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 148.69 પ્લસ બંધ થયો હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 234.18 ઊંચકાયો હતો.