નવી લેવાલીથી સેન્સેક્સ અને નિફટી 3 સપ્તાહની ઊંચી સપાટીએ

અમદાવાદ– શેરબજારમાં સતત ચોથા દિવસે તેજીની આગેકૂચ રહી હતી. બેંક, એફએમસીજી, ઓટો અને મેટલ શેરોની રાહબરી હેઠળ સેન્સેક્સ અને નિફટીમાં વધુ ઉછાળો આવ્યો હતો. ગ્લોબલ માર્કેટના પોઝિટિવ અહેવાલોને પગલે ભારતીય શેરોમાં નવી લેવાલીનો દોર ચાલુ રહ્યો હતો. સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સ અને નિફટી વધુ વધી 3 સપ્તાહની ઊંચી સપાટીએ બંધ રહ્યા હતા. ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 161.57(0.48 ટકા) વધી 33,788.54 બંધ રહ્યો હતો. તેમજ નિફટી 47.75(0.46 ટકા) વધી 10,379.35 બંધ થયો હતો.એશિયાઈ સ્ટોક માર્કેટની મજબૂતી પાછળ સવારે ભારતીય શેરોના ભાવ મજબૂત ખુલ્યા હતા. તેજીવાળા ખેલાડીઓની નવી લેવાલી નીકળી હતી. સપ્તાહનો પ્રથમ દિવસ હોવાથી અને નેગેટિવ ન્યૂઝનો અભાવ હતો, જેથી સ્ટોક માર્કેટ ધીમેધીમે પ્લસ રહ્યું હતું, બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ પણ પ્લસ હતા.

  • શુક્રવારે એફઆઈઆઈએ રૂપિયા 524 કરોડનું કુલ ચોખ્ખુ વેચાણ કર્યું હતું, જ્યારે સ્થાનિક નાણા સંસ્થાઓએ રૂપિયા 1305 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી.
  • રીલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચરને રૂપિયા 1081 કરોડનો ઓર્ડર મળ્યો છે, જે સમાચારથી શેરમાં નવી લેવાલી આવી હતી.
  • આરપીપી ઈન્ફ્રા પ્રોજેક્ટનો રૂપિયા 138 કરોડનો ઓર્ડર મળ્યો છે, જે ન્યૂઝને પગલે શેરમાં નવી લેવાલી આવી હતી.
  • આજની તેજીમાં 80થી વધુ સ્ટોકના વર્ષના નવા ઊંચા ભાવ જોવા મળ્યા હતા.
  • ડાટામેટિક્સ ગ્લોબલના શેરમાં 16 ટકાનો ઉછાળો આવ્યો હતો. કંપનીએ ફિલીપીન્સની બીપીઓ કંપની આરજે ગ્લોબલ સોલ્યૂલન્સને ટેકઓવર કરી છે.
  • લેમન ટ્રીના નવા શેરનું લિસ્ટીંગ પ્રોત્સાહક થયું હતું. લેમન ટ્રીના શેરનું 10 ટકા પ્રિમિયમ સાથે ભાવ રૂપિયા 60.01માં પ્રથમ ટ્રેડ થયો હતો. કંપનીએ રૂપિયા 56માં શેર આપ્યો છે, અને કંપનીએ ઈસ્યૂ મારફતે રૂપિયા 1038 કરોડની મૂડી એકત્રિત કરી છે.