24 કલાકમાં 980 ફ્લાઈટ્સ ઓપરેટ કરીઃ મુંબઈ એરપોર્ટનો નવો વિક્રમ

મુંબઈ – મુંબઈનું એરપોર્ટ એક જ રનવે પર સૌથી વધારે ફ્લાઈટ્સનું સંચાલન કરી સૌથી વ્યસ્ત રહેતા એરપોર્ટ્સમાં વિશ્વમાં પહેલો નંબર ધરાવે છે.

બ્રિટનની એરપોર્ટ કોઓર્ડિનેશન લિમિટેડના આંકડા અનુસાર, મુંબઈએ 24 કલાકમાં સૌથી વધારે – 980 ફ્લાઈટ્સ (લેન્ડિંગ્સ અને અરાઈવલ્સ) ઓપરેટ કરીને પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે.

અગાઉ ગયા વર્ષની 6 ડિસેમ્બરે, મુંબઈના જ એરપોર્ટે 24 કલાકમાં 974 ફ્લાઈટ્સ ઓપરેટ કરીને નવો વિક્રમ બનાવ્યો હતો. વધુ છ ફ્લાઈટ્સ ઓપરેટ કરીને એણે હવે પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો છે.

બ્રિટનનું ગેટવિક એરપોર્ટ વિશ્વમાં બીજા નંબરનું સૌથી વ્યસ્ત રહેતું એરપોર્ટ છે. જોકે સૌથી કાર્યક્ષમ સિંગલ-રનવે એરપોર્ટ તરીકે ગેટવિક પહેલા નંબરે આવે છે.

મુંબઈ એરપોર્ટ ચોવીસે કલાક કાર્યરત રહેતું હોય છે. જ્યારે ગેટવિક દરરોજ સવારે પાંચ વાગ્યાથી લઈને મધરાત સુધી, એમ 19 કલાક સુધી કાર્યરત રહે છે. 1971ની સાલથી ગેટવિક એરપોર્ટ ખાતે રાતના સમયના નિયંત્રણો મૂકવામાં આવ્યા છે.

મુંબઈ અને ગેટવિક એરપોર્ટ વચ્ચેનો સૌથી મોટો તફાવત છે – પર્યાવરણ.