99 ટકા ચીજવસ્તુઓ 18 ટકાના જીએસટીના દાયરામાં આવશેઃ નરેન્દ્ર મોદી

મુંબઈ– વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે એક ખાનગી એક કાર્યક્રમ દરમિયાન સંબોધન કરતાં કહ્યું હતું કે કેન્દ્ર સરકાર 99 ટકા ચીજવસ્તુઓને જીએસટીના 18 ટકાના સ્લેબમાં લાવવા પર કામ કરી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું કે અપ્રત્યક્ષ કરની નવી પ્રણાલી જીએસટીનો અમલ થઈ ગયો છે, અને હવે અમે તેમાં દરેક ચીજવસ્તુઓને જેટલું સરળ થઈ શકે તેટલું સરળ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.

વડાપ્રધાને કહ્યું કે આજે જીએસટી વ્યવસ્થાનું દેશમાં અમલીકરણ થઈ ગયું છે, અને અમે તે દિશામાં કામ કરી રહ્યાં છીએ કે જ્યાં 99 ટકા ચીજવસ્તુઓ જીએસટીના 18 ટકાના ટેક્સ સ્લેબમાં આવી જાય. તેમણે એવો પણ સંકેત આપ્યો કે જીએસટીનો 28 ટકાનો ટેક્સ સ્લેબ માત્ર લક્ઝરી ઉત્પાદનો જેવી પસંદગીની વસ્તુઓ પર હશે.

મોદીએ કહ્યું કે જીએસટી લાગુ થયા પહેલાં ફકત 65 લાખ ઉદ્યોગો નોંધાયેલા હતાં. હાલમાં તેમાં 55 લાખનો વધારો થયો છે. હવે અમારો પ્રયાસ છે કે આમ આદમીના ઉપયોગમાં આવી તમામ 99 ટકા ચીજવસ્તુઓના ઉત્પાદનો પર જીએસટી 18 ટકા અથવા તો તેનાથી ઓછા ટેક્સ સ્લેબમાં રાખવામાં આવશે.

તેમણેમાં એમ પણ કહ્યું હતું કે ઉદ્યોગો માટે જીએસટીને વધુમાં વધુ સરળ કરવો જોઈએ. શરૂઆતના દિવસોમાં જીએસટી અલગઅલગ રાજ્યોમાં હતી તે વ્યવસ્થા વેટના આધાર પર તૈયાર કરવામાં આવ્યો હતો, પણ હવે સમયસમય પર વાતચીત કરીને જીએસટીની વ્યવસ્થામાં સુધારો થઈ રહ્યો છે.

મોદીએ કહ્યું કે દેશ દસકાઓથી જીએસટીની માગ કરી રહ્યો હતો. મને એવું કહેતા આનંદ થાય છે કે જીએસટીના અમલ પછી વેપારમાં પડતી તમામ મુશ્કેલીઓ દૂર થઈ છે, અને જીએસટીના પ્રણાલીમાં પણ સુધારો થઈ રહ્યો છે. સાથે અર્થવ્યવસ્થા પણ પારદર્શી થઈ છે. ભ્રષ્ટાચાર પર વડાપ્રધાને કહ્યું હતું કે ભારતમાં ભ્રષ્ટાચારને સામાન્ય માની લેવામાં આવ્યો હતો. આ તો ચાલતું જ રહે… જ્યારે કોઈપણ અવાજ ઉઠાવતા હતા, ત્યારે સામેથી અવાજ આવતો હતી કે આ તો ભારત છે. અહીંયા આમ જ ચાલે છે.

તેમણે કહ્યું કે જ્યારે કંપનીઓ દેવું ચુકવવામાં નિષ્ફળ જાય ત્યારે તેઓ અને તેમના માલિકોની સાથે કાંઈ થતું જ નહોતું, એવું એટલા માટે થતું ન હતું કે તેઓ વિશેષ લોકો છે, અને તેમને સુરક્ષા મળતી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]