પીએનબી કૌભાંડઃ મેહુલ ચોક્સી અમેરિકાથી એન્ટિગુઆ ભાગ્યો હોવાની માહિતી

નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેંકમાં 14 હજાર કરોડ રૂપીયાના ગોટાળા મામલે આરોપી અને ગીતાંજલિ જેમ્સનો પ્રમોટર મેહુલ ચોક્સી અમેરિકાથી એંટીગુઆ ભાગી ગયો હોવાની માહિતી સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઈન્ટરપોલ દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિસ બાદ એંટીગુઆના અધિકારિઓએ આ જાણકારી આપી છે.ચોક્સીએ ભારતમાં કાયદાકીય કાર્યવાહીથી બચવા માટે નવો કીમીયો અપનાવ્યો હતો. ચોક્સીએ મોબ લિંચિંગની આશંકા જાહેર કરતા સ્પેશિયલ કોર્ટથી પોતાના વિરૂદ્ધ જાહેર બિન જામીનપાત્ર વોરંટને રદ્દ કરવાની માંગણી કરી હતી. ત્યારે હવે ચોક્સી એંટીગુઆ ભાગી ગયો હોવાની માહિતી સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ચોક્સીએ એંટીગુઆમાં મોટાપાયે સંપત્તિમાં રોકાણ કરી રાખ્યું છે અને ત્યાંની નાગરિકતા પણ પ્રાપ્ત કરી લીધી છે. એંટીગુઆના કાયદા અનુસાર જો આ દેશમાં કોઈપણ વ્યક્તિ 4 લાખ ડોલરનું રોકાણ કરે છે તો તે વ્યક્તિને ત્યાંની નાગરિકતા પ્રાપ્ત થઈ જાય છે.

ઉલ્લેખનીય છે કે ઈડી દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ બાદ કોર્ટે માર્ચ અને જુલાઈમાં ચોક્સી વિરૂદ્ધ બીન જામીનપાત્ર વોરંટ જાહેર કર્યું હતું. પીએનબી ગોટાળાનો ખુલાસો થયા પહેલા જ ચોક્સી દેશ છોડીને ભાગી ગયો હતો. ઉલ્લેખનીય છે કે આ મામલે મેહુલ ચોક્સીનો ભાણીયો નીરવ મોદી પણ ફરાર છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]