નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી ઓટોમોબાઇલ કંપની મારુતિ સુઝુકી ટૂંક સમયમાં એક કોમ્પેક્ટ સ્પોર્ટ્સ યુટિલિટી વેહિકલ (SUV) લોન્ચ કરવાની છે, જે લોકપ્રિય ‘બલેનો’ હેચબેક આધારિત હશે. ‘YTB’ નામનું નવું મોડલ એક કૂપ અથવા મિની ક્રોસઓવરના રૂપમાં ડિઝાઇન કરવામાં આવી હોવાની સંભાવના છે. YTB કંપનીની બીજી કોમ્પેક્ટ SUV હશે. મારુતિ સુઝુકીની વિટારા ‘બ્રીઝા’ કંપનીની પહેલી SUV છે, જે 2016માં લોન્ચ કરવામાં આવી હતી. મારુતિએ આ સેગમેન્ટમાં વિસ્તાર કર્યો છે.
આંતરિક રૂપે એને ‘બલેનો’ની સિસ્ટર કારના રૂપમાં ઓળખવામાં આવી છે. કંપનીએ આ પહેલાં પણ ‘XL6’ અને ‘અર્ટિગા’ની સાથેની વ્યૂહરચનાને સફળતાપૂર્વક અપનાવી છે. કંપનીને SUV સેગમેન્ટમાં બજારહિસ્સો વધારવા માટે પોર્ટફોલિયોમાં સારીએવી સંખ્યામાં SUV ની જરૂર છે.
કારબજારમાં કંપનીએ અગ્રણી હેચબેક અને સેડાન સેગમેન્ટમાં દબદબો બનાવી રાખ્યો છે. SUVની ગ્રાહકો પસંદગીમાં હવે સતત વધારો થઈ રહ્યો છે. ગયા વર્ષે કંપનીનાં નવા ઉત્પાદનોમાં ઘટાડાને કારણે હ્યુન્ડાઇ અને કિયા જેવા પ્રતિસ્પર્ધીને નોંધપાત્ર લાભ થયો હતો, જેથી કંપનીનો SUVમાં બજાર હિસ્સો ઘટ્યો હતો. કંપની કારને સ્ક્રેચથી બચાવવા અને સામાન્ય ખર્ચ ઓછા કરવા માટે કામ કરી રહી છે.