મારુતિ સુઝૂકી લોન્ચ કરી રહી છે ‘સ્વિફ્ટ’ની એકદમ નવી આવૃત્તિ

નવી દિલ્હી – અત્રે ગ્રેટર નોઈડાના ઈન્ડિયા એક્સ્પો માર્ટમાં આવતી 9-14 ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર દિલ્હી ઓટો એક્સ્પો-2018માં દેશની અગ્રગણ્ય ઓટોમોબાઈલ કંપની મારુતિ સુઝૂકી તેની લોકપ્રિય થયેલી હેચબેક કાર ‘સ્વિફ્ટ’ની એકદમ નવી આવૃત્તિ લોન્ચ કરવાની છે.

મારુતિ સુઝૂકીએ તેની આ નવી મોડેલની કાર માટે બુકિંગ શરૂ પણ કરી દીધું છે. આ નવી કારમાં K12 VVT મોડેલ પેટ્રોલ એન્જિન સાથે અને DDiS 190 મોડેલની કાર ડિઝલ એન્જિન સાથે ઉપલબ્ધ થશે.

કંપનીના જણાવ્યા મુજબ, નવી નક્કોર ‘સ્વિફ્ટ’ અત્યાધુનિક ટેક્નોલોજીથી બનાવવામાં આવી છે.

નવી ‘સ્વિફ્ટ’ કદમાં વધારે પહોળી, કોમ્પેક્ટ અને લાંબા વ્હીલ બેઝવાળી છે જેથી કેબિન સ્પેસ, હેડરૂમ અને લગેજ સ્પેસ વધારે મળે છે.

નવી ‘સ્વિફ્ટ’ પેટ્રોલ અને ડિઝલ, બંને વેરિઅન્ટમાં ઓટો ગીયર શિફ્ટ (એજીએસ) ટેક્નોલોજી સાથે ઉપલબ્ધ થશે.