ભારતમાં ટીકટોક એપ ડાઉનલોડ કરવા પર મૂકેલો પ્રતિબંધ મદ્રાસ હાઈકોર્ટે શરત સાથે ઉઠાવી લીધો

ચેન્નાઈ – લોકપ્રિય થયેલી વિડિયો-શેરિંગ એપ્લિકેશન ટીકટોક પર મદ્રાસ હાઈકોર્ટે ગયા અઠવાડિયે મૂકેલો પ્રતિબંધ એણે પોતે જ આજે ઉઠાવી લીધો છે. જોકે કોર્ટે એવી શરતે આ પ્રતિબંધ ઉઠાવ્યો છે કે વિડિયો મોબાઈલ એપ ટીકટોપ પર પોર્નોગ્રાફિક વિડિયો અપલોડ ન થાય એની કંપની તકેદારી રાખશે.

ટીકટોક એપ, અદાલતના મિત્ર (અમાઈકસ ક્યૂરી) અરવિંદ દાતાર (સિનિયર એડવોકેટ)એ કરેલી રજૂઆતને સાંભળ્યા બાદ મદ્રાસ હાઈકોર્ટે આ પ્રતિબંધ ઉઠાવી લીધો છે.

એક નિવેદનમાં અરવિંદ દાતારે જણાવ્યું છે કે ભારત સરકાર એવી સિસ્ટમ બનાવી ન શકે જેમાં કંઈ કાનૂની રીતે પરવાનગીને પાત્ર હોય પણ ન્યાયિક રીતે પરવાનગીને પાત્ર ન હોય. પ્રતિબંધ મૂકવો એ ઉકેલ નથી. કાયદેસર યુઝર્સના અધિકારોનું રક્ષણ થવું જ જોઈએ.

દાતારે આ માટે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી કાયદાની કલમ 79ની સમજ આપી છે. એમણે કહ્યું કે ટીકટોકને અમુક કેસોમાં જવાબદાર ઠેરવી ન શકાય. દાખલા તરીકે, ફેસબુકના કોઈ યુઝર્સ એમના સ્ટેટસ મેસેજ તરીકે કશુંક ગેરકાયદેસર મૂકે તો એને માટે કંઈ ફેસબુકને જવાબદાર ગણાવી ન શકાય.

ભારતમાં ટીકટોકના 11 કરોડ 93 લાખ સક્રિય યુઝર્સ છે. 2019ના પહેલા ક્વાર્ટરમાં ભારતમાં ટીકટોક એપ 4 કરોડ 17 લાખ વાર ડાઉનલોડ થઈ હતી, જે એક રેકોર્ડ બન્યો છે.

મદ્રાસ હાઈકોર્ટે અગાઉ પ્રતિબંધ મૂક્યા બાદ ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોરમાંથી ગઈ 17 એપ્રિલે ટીકટોક એપને દૂર કરવામાં આવી હતી.

મદ્રાસ હાઈકોર્ટે ત્યારે કેન્દ્ર સરકારને કહેલું કે તે આ શોર્ટ-ફોર્મ વિડિયો એપ પર પ્રતિબંધ મૂકે. ત્યારે મદ્રાસ હાઈકોર્ટે કહ્યું હતું કે ટીકટોક એપ પોર્નોગ્રાફીના દૂષણને ઉત્તેજન આપે છે તેથી કેન્દ્ર સરકારે એના ડાઉનલોડ્સ પર પ્રતિબંધ મૂકવો જોઈએ.

ટીકટોકની તકલીફ માત્ર ભારતમાં જ છે એવું નથી. અમેરિકામાં કેન્દ્રીય ટ્રેડ કમિશને ચાઈલ્ડ પ્રાઈવસી કાયદાઓના ભંગ બદલ ટીકટોકને 57 લાખ ડોલર (રૂ. 40 કરોડ)નો દંડ ફટકાર્યો હતો, જે એક વિક્રમસર્જક રકમ કહેવાય. એવી જ રીતે, ઈન્ડોનેશિયાએ પણ ધાર્મિક બદનામી કરતી અને પોર્નોગ્રાફિક સામગ્રી દર્શાવવા બદલ આ એપ પર પ્રતિબંધ મૂક્યો હતો. જોકે નકારાત્મક સામગ્રી પર અંકુશ રાખવાની એપ્લિકેશને ખાતરી આપ્યા બાદ એક અઠવાડિયા બાદ એની પરનો પ્રતિબંધ ઈન્ડોનેશિયાએ ઉઠાવી લીધો હતો.

ટીકટોક એ ચાઈનીઝ કંપની બાઈટડાન્સની માલિકીની એપ છે. એણે કહ્યું હતું કે પ્રતિબંધને કારણે એને પ્રતિદિવસ પાંચ લાખ ડોલર (રૂ. 3.48 કરોડ)ની ખોટ ગઈ છે, 250 જેટલાની નોકરી જોખમમાં આવી ગઈ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]