જીવન વીમા નિગમ (LIC)એ આઈડીબીઆઈ બેન્કમાં 51 ટકા કન્ટ્રોલિંગ હિસ્સો ખરીદ્યો

મુંબઈ – કેન્દ્ર સરકાર હસ્તકની જીવન વીમા નિગમ (લાઈફ ઈન્શ્યુરન્સ કોર્પોરેશન) કંપનીએ આઈડીબીઆઈ બેન્કમાં 51 ટકાનો કન્ટ્રોલિંગ હિસ્સો હસ્તગત કરવાની પ્રક્રિયા પૂરી કરી લીધી છે. આ સાથે જ આ બેન્કમાં એલઆઈસી સૌથી મોટી શેરહોલ્ડર બની ગઈ છે.

હિસ્સો હસ્તગત કરવાની પ્રક્રિયા પૂરી થયાની જાણકારી આઈડીબીઆઈ બેન્કે મુંબઈ શેરબજાર (BSE)ને આપી છે.

આઈડીબીઆઈના સંદેશામાં જણાવાયું છે કે આ સોદો 2018ના જૂનમાં નક્કી કરાયો હતો. એનાથી આઈડીબીઆઈ બેન્ક તથા એલઆઈસી, બંનેને ફાયદો થયો છે.

આઈડીબીઆઈ બેન્કમાં પ્રમોટર તરીકે એલઆઈસી હિસ્સો ખરીદે એ પ્રસ્તાવને કેન્દ્રીય કેબિનેટે ગયા વર્ષના ઓગસ્ટ મહિનામાં મંજૂરી આપી હતી.

આઈડીબીઆઈ બેન્કમાં મેજોરિટી હિસ્સો ખરીદીને બેન્કિંગ સેક્ટરમાં ઝંપલાવવાનો એલઆઈસીનો ઉદ્દેશ્ય છે.

આઈડીબીઆઈ બેન્કને આ સોદાથી ફાયદો થશે, કારણ કે એણે 2018-19ના સપ્ટેંબર ક્વાર્રટરમાં રૂ. 3,602.49 કરોડની ચોખ્ખી ખોટ નોંધાવી હતી. એની નોન-પર્ફોર્મિંગ એસેટ્સનો આંકડો વધીને 31.78 ટકા એટલે કે રૂ. 60,875.49 કરોડ થયો હતો.

આઈડીબીઆઈ બેન્કના આશરે દોઢ કરોડ રીટેલ ગ્રાહકો છે અને આશરે 18,000 કર્મચારીઓ છે.

આ સોદા દ્વારા એલઆઈસીએ વ્યૂહાત્મક મૂડીરોકાણ કર્યું છે.

દેશભરમાં આઈડીબીઆઈની 800થી વધુ શાખાઓ છે. હવે આ શાખાઓનો ઉપયોગ એલઆઈસીની પોલિસીઓ વેચવા માટે કરી શકાશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]