ટેલિકોમ સેક્ટર સંકટ: બિરલાની નેટવર્થ 3 અબજ ડોલર ઘટી

નવી દિલ્હી: દેશનું ટેલિકોમ ઘેરા સેક્ટર સંકટનો સામનો કરી રહ્યુ છે. જેની અસર ટેલિકોમ કંપનીઓના માલિકોની સંપત્તિ પર પણ પડી રહી છે. ટેલિકોમ સેક્ટરમાં મુકેશ અંબાણીની જિયોના આગમન બાદ આ સેક્ટરમાં રહેલી કંપનીઓ વચ્ચે સ્પર્ધા વધી ગઈ છે. તેની અસર એ થઈ છે કે અનિલ અંબાણીની આરકોમે નાદારી દર્શાવી છે. વોડાફોન અને આઈડિયા સેલ્યુલરના મર્જરનો નિર્ણય લેવો પડ્યો હતો, તેમ છતાં તકલીફ ઓછી થઈ ન હતી. વોડાફોન-આઈડિયાએ ગત સપ્તાહ જણાવ્યું હતું કે જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં રૂપિયા 50921 કરોડની ખોટ થઈ હતી. ભારતીય કંપની દ્વારા ત્રિમાસિક ગાળામાં નોંધાવેલો આ સૌથી મોટો ખોટનો આંકડો છે. વોડાફોનને તો હવે કારોબાર કરવાનું પણ ખૂબ જ મુશ્કેલ બની ગયું છે.

નાણાકીય સંકટનો સામનો કરી રહેલી વોડાફોન આઈડિયા કંપનીમાં બીજા સૌથી મોટા ભાગીદાર અને આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલાની નેટવર્થ છેલ્લા 2 વર્ષમાં 3 અબજ ડોલર (21,528 કરોડ રૂપિયા) ઘટી ગઈ છે. બ્લૂમબર્ગ બિલેનિયર ઇન્ડેક્સના મતે તેમની નેટવર્થ 2 વર્ષ અગાઉ 9.1 અબજ ડોલર હતી, જે હવે ઘટીને 6 અબજ ડોલર (રૂપિયા 43,056 કરોડ) છે. આદિત્ય બિરલા ગ્રુપની કંપનીના શેરોમાં ઘટાડો થવાને લીધે તેમની નેટવર્થમાં આ ઘટાડો થયો છે. ટેલિકોમ સેક્ટરમાં સ્પર્ધાત્મકતાની વધારે અસર થઈ છે. બિરલા ગ્રુપની કંપની વોડાફોન-આઈડિયાના શેરના ભાવ ડિસેમ્બર, 2017થી અત્યાર સુધીમાં 90 ટકા ગગડી ગયા છે.

વર્ષ 2017ના અંતિમ દિવસોથી દિગ્ગજ ટેલિકોમ કંપની વોડાફોન-આઈડિયાની નુકસાની સતત વધી રહી છે અને કંપની પર ઋણબોજ પણ ઘણુ વધી ગયું છે. આ ઉપરાંત કુમાર મંગલમ બિરલાની અન્ય ફ્લેગશિપ ફર્મ જે કેમિકલ, મેટલ્સ અને સિમેન્ટનું ઉત્પાદન કરે છે, તેના શેરોમાં પણ મોટા ઘટાડો જોવા મળ્યો છે. કુમાર મંગલમ બિરલાની સંપત્તિનો મોટો હિસ્સો તેમના માલિકીની કંપની આદિત્ય બિરલા ગ્રુપમાંથી આવે છે, જે તેમની અન્ય હોલ્ડિંગ કંપનીઓને નિયંત્રિત કરે છે.

આદિત્ય બિરલા ગ્રુપને ટેલિકોમ સેક્ટરની વર્તમાન સ્થિતિ ઉપરાંત દેશના GDP ગ્રોથમાં ઘટાડો તથા અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ વોર જેવા પરિબળોની પણ અસર થઈ છે. ગ્રુપની હિસ્સેદારીવાળી હિન્દાલ્કો વિશ્વની મુખ્ય એલ્યુમિનિયમ કંપની છે. ગ્રુપ પાસે દેશની સૌથી મોટી સિમેન્ટ કંપની અલ્ટ્રાટેક સિમેન્ટ છે. પરંતુ બાંધકામ સેક્ટરમાં છેલ્લા કેટલાક સમયથી માંગમાં અભાવની સ્થિતિ જોવા મળી રહી છે.

 

હિન્દાલ્કોનો જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં નફો 33 ટકા ઘટ્યો છે. એલ્યુમિનિયમ અને કોપરની કિંમતો ઘટવાને લીધે કંપનીને નુકસાન થયું છે. હિન્દાલ્કોના શેર ડિસેમ્બર, 2017 ની પ્રાઈઝની તુલનામાં હવે 31 ટકા નીચે છે. આ દરમિયાન આદિત્ય બિરલા ગ્રુપ તરફથી વધુ એક કંપની ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝના શેરોમાં 33 ટકાનો ઘટાડો આવ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]