‘નમો જેકેટ’નું ધૂમ વેચાણ, 2018-19માં ખાદી વેચાણમાં 28 ટકાનો વધારો

નવી દિલ્હી- ખાદી ગ્રામોઉદ્યોગ આયોગ (KVIC)એ કહ્યું કે, નાણાકીય વર્ષ 2018-19માં ખાદી ઉત્પાદનોનું વેચાણ 28 ટકાના વધારા સાથે 3215.13 કરોડ રુપિયા નોંધાયું છે. આ દરમિયાન હાથવણાટના ખાદી વસ્ત્રોનું ઉત્પાદનમાં 16 ટકાના વધારા સાથે 1902 કરોડ રુપિયાના સ્તર પર પહોંચી ગયું છે.

KVICએ કહ્યું કે, ખાદીના વસ્ત્રોનું વેચાણ વધવા પાછળ વડાપ્રધાન મોદીની લોકોને અપીલની ખાસ અસર જોવા મળી છે. કેવીઆઈસી દ્વારા રજૂ કરવામાં આવેલા આ આંકડાઓ પરથી જાણી શકાય છે કે, વર્ષ 2015થી 2019ની વચ્ચે ખાદી, પોલી અને સોલરના સંયૂક્ત ઉત્પાદનમાં ક્રમશ: 25.52 ટકા અને 34.86 ટકાના દરે વાર્ષિક વૃદ્ધિ થઈ છે. વર્ષ 2004થી લઈને 2014 સુધી આ વૃદ્ધિ દર ક્રમશ: 6.48 ટકા અને 6.82 ટકા જેટલો રહ્યો હતો.

KVICના ચેરમેન વિનય કુમાર સક્સેનાનું કહેવું છે કે, આમારા તૈયાર ઉત્પાદનોમાં નમો જેકેટ તમામ ઉંમરના લોકની પ્રથમ પસંદગી બન્યું છે. માત્ર નમો એપના માધ્યથી છેલ્લા 2 મહિનામાં કેવીઆઈસી પાસેથી 7000 નમો જેકેટ ખરીદવામાં આવ્યા છે. આ ઉપરાંત અમારા અધિકારીક વેચાણ કેન્દ્રો પર પ્રતિ દિવસ ઓછામાં ઓછા 200 નમો જેકેટ અને કુર્તાનું વેચાણ થાય છે. તેમણે વધુમાં કહ્યું કે, વર્ષ 2019-2020ના અંત સુધીમાં ખાદીનું વેચાણ 5000 કરોડ રુપિયાથી પણ વધુ થવાનો અંદાજ છે.

વિનય કુમારે કહ્યું કે, આ સફળતાનો અંદાજ એ તથ્યો પરથી લગાવી શકાય કે, વર્ષ 2014-15માં 2,002 કર્મચારીઓ સાથે ખાદીનું વેચાણ 1310.90 કરોડ રૂપિયા હતું. પરંતુ વર્ષ 2018-19માં માત્ર 1535 કર્મચારીઓ સાથે આ વેચાણ 3215.13 કરોડ રુપિયા પર પહોંચી ગયું છે. એટલે કે, છેલ્લા પાંચ વર્ષમાં 24 ટકા ઓછા કર્મચારીઓ હોવા છતાં ખાદીના વેચાણમાં 145 ટકાથી વધુની વૃદ્ધિ થઈ છે. આ ઉપરાંત વિદેશમાં ખાદીના ઉત્પાદનોનું વેચાણને પ્રોત્સાહન આપવા માટે નિકાસ વિભાની પણ સ્થાપના કરવામાં આવી રહી છે.