ફોર્ચ્યુનની ‘ચેન્જ ધ વર્લ્ડ’ યાદીમાં જિઓ ટોચ પર

સૌથી ધનિક ભારતીય મુકેશ અંબાણીની ટેલિકોમ કંપની રીલાયન્સ જિઓને ફોર્ચ્યુનના ચેન્જ ધ વર્લ્ડની યાદીમાં ટોચનો ક્રમ આપવામાં આવ્યો છે. આ યાદીમાં કંપનીઓને પૃથ્વી અને સામાજિક સમસ્યાઓના ઉકેલમાં મદદ કરવા માટેના નફાના ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને મૂલવવામાં આવી છે. આજે જાહેર કરવામાં આવેલી ફોર્ચ્યુનની યાદીમાં જિઓ ફાર્માસ્યુટીકલ ક્ષેત્રની અગ્રણી કંપની મર્ક અને બેન્ક ઓફ અમેરિકા કરતાં પણ આગળ છે.ચાઇનીઝ ગ્રૂપ અલિબાબા આ યાદીમાં પાંચમા નંબરે, ક્રોગર છઠ્ઠા નંબરે, ઇન્સ્ટ્રીયલ મશીનરી કંપની એ.બી.બી. આઠમા નંબરે અને હ્યુજીસ નેટવર્ક સિસ્ટમ દસમા નંબરે છે. જો ઇન્ટરનેટનો ઉપયોગ પાયાનો માનવ હક ગણવામાં આવે – અને સંયુક્ત રાષ્ટ્રોએ પણ તેને 2016માં તેમ જાહેર કર્યું છે – તો રીલાયન્સ જિઓ અન્ય કોઇ સેવા કરતાં વધારે હકદાર છે, એમ ફોર્ચ્યુને જણાવ્યું હતું.

જિઓએ મફત કોલ અને ડેટા આપવા સાથે સપ્ટેમ્બર 2016માં તેના હરીફોને એકમેક સાથે ભળી જવા અથવા તો વ્યવસાયમાંથી વિદાય લેવા મજબૂર કર્યા હતા અને લોન્ચ થયાના સમયથી અત્યાર સુધીમાં 21.5 કરોડ ગ્રાહકો મેળવ્યા છે અને તે નફા કરતી કંપની પણ બની છે. ફોર્ચ્યુને જણાવ્યું હતું કે અંબાણી કહે છે કે તેઓ લોકોને ડિજિટલ ઓક્સિજન પૂરો પાડી રહ્યાં છે પરંતુ બે વર્ષ પહેલાં વિશ્વના બીજા નંબરના વસતી ધરાવતા દેશમાં લોકો પાસે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન હતો નહીં.

મોબાઇલ ફોન 2જી નેટવર્ક પર ભાંખોડિયા ભરી રહ્યા હતા અને ગ્રાહકો એક ગીગાબાઇટ ડેટા માટે લગભગ રૂ.200 ચૂકવી રહ્યા હતા. ભારતની 1.3 અબજ વસતીમાં માત્ર 15.3 કરોડ મોબાઇલ ઇન્ટરનેટ સબસ્ક્રાઇબર હતા.જિઓએ ખૂબ જ ઝડપી 4જી નેટવર્ક (જે તેણે અબજોના ખર્ચે નિર્માણ કર્યું હતું), મફલ કોલ અને ખૂબ જ સસ્તા દરે ડેટા (જી.બી.ના રૂ.4 જેટલા નીચા દરે) પ્રવેશ કર્યો. ત્યારથી તેણે ખૂબ જ નીચા દરે સ્માર્ટફોન આપ્યા છે અને હવે ફિક્સ બ્રોડબેન્ડ સર્વિસનો પણ પ્રારંભ કરી રહી છે, એમ તેમાં જણાવાયું હતું. તેના પરિણામે આવેલા જિઓ-ફિકેશનને ક્રાંતિ કરતાં ઓછું ગણી શકાય નહીં, કારણ કે ડેટાનો વપરાશ વધી રહ્યો છે અને જિઓના હરીફોને જિઓની ઓફર જેટલા ભાવે ઓફર કરવી પડી રહી છે, આ ઘટનાક્રમે ભારતની ડિજિટલ ઇકોનોમીને ખૂબ જ વેગ આપ્યો છે.

આમાં સૌથી મોટા વિજેતા ગ્રામીણ વિસ્તારના લોકો અથવા તો ખૂબ જ નીચલા લેવલના લોકો – ખેડૂતો, વિદ્યાર્થીઓ અને ઉદ્યોગ સાહસિકો છે, જેમને આધુનિક અર્થતંત્રમાં જોડાવા માટે જોઇતું હથિયાર પ્રાપ્ત થયું. ફોર્ચ્યુને જણાવ્યું હતું કે ચેન્જ ધ વર્લ્ડ યાદી એવી કંપનીઓનું સન્માન કરે છે જેમણે તેમના વ્યાવસાયિક અભિગમ અંતર્ગત સકારાત્મક સામાજિક અસર પેદા કરી હોય.

વાર્ષિક એક અબજ અમેરિકન ડોલર કરતાં વધારેની આવક ધરાવતી કંપનીઓને જ ધ્યાનમાં લેતી આ યાદીમાં સામાજિક અસર, વ્યાવસાયિક પરિણામો (નફાકારકતા), નવતર પ્રયોગોનું પ્રમાણ અને કોર્પોરેટ સંકલનને ધ્યાનમાં લેવામાં આવ્યાં છે.