આ ટેલીકોમ કંપનીઓના બાકી નાણા વસૂલોઃ જિયોનો મંત્રાલયને પત્ર

નવી દિલ્હી: રિલાયન્સ જિયોએ ટેલીકોમ મંત્રી રવિશંકર પ્રસાદને પત્ર લખ્યો છે. આ પત્રમાં કંપનીએ આરોપ મૂક્યો છે કે, ભારતી એરટેલ અને વોડાફોન-આઇડિયા પાસેથી છેલ્લાં 14 વર્ષમાં કાયદેસર રીતે બાકી નીકળતી રકમની વસૂલાત કરવા માટે કડક કાર્યવાહી ન કરવી એ સર્વોચ્ચ અદાલતે આપેલા આદેશનું ઉલ્લંઘન સમાન હશે અને ઇરાદાપૂર્વક નાણાકીય સંકટ ઊભી કરતી કંપનીઓ માટે ખોટું ઉદાહરણ બની જશે.

કંપનીએ એવો પણ આક્ષેપ પણ કર્યો છે કે, ટેલીકોમ ક્ષેત્રનું સંગઠન સીઓએઆઈ ભારતી એરટેલ અને વોડાફોન-આઇડિયાને બાકી નીકળતી રકમમાંથી વ્યાજ અને દંડની રકમની માફી આપવાનું જણાવીને બંને કંપનીઓનાં હિતોને અનુચિત રીતે જાળવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

કંપનીએ પત્રમાં આગળ લખ્યું કે, સર્વોચ્ચ અદાલતે 24 ઓક્ટોબરનાં રોજ એનાં આદેશમાં ટેલીકોમ લાઇસન્સ ફી જેવા કાયદેસર ચાર્જ અને સ્પેક્ટ્રમ યુઝેજ ચાર્જ જેવા વેપાર ચુકવવા સ્પષ્ટપણે જણાવ્યું હતું એટલે છેલ્લાં 14 વર્ષમાં આ બંને કંપનીઓને વ્યાજ અને દંડમાં માફી આપવાથી સર્વોચ્ચ અદાલતનું ઉલ્લંઘન થશે.

મહત્વનુ છે કે, સર્વોચ્ચ અદાલતે 24 ઓક્ટોબરનાં રોજ ટેલીકોમ વિભાગની દલીલને માન્ય રાખી હતી કે, નોન-ટેલીકોમ આવકને વાર્ષિક એડજસ્ટેડ ગ્રોસ રેવેન્યુ (એજીઆર)માં સામેલ કરવી જોઈએ. એજીઆર એ સરકારને કાયદેસર ચાર્જીસ તરીકે ચુકવવામાં આવતી ટકાવારી છે. એરટેલ અને વોડાફોન-આઇડિયાને કુલ રૂ. 1.4 લાખ કરોડની ચુકવણી કરવાની બાકી છે. બંને કંપનીઓએ ટેલીકોમ ક્ષેત્રનાં સંગઠન સીઓએઆઈ મારફતે ચુકવણીમાં વિલંબ પર વ્યાજ અને દંડની રકમમાં માફી આપવાની માગણી કરી છે, જે બાકી નીકળતી રકમની લગભગ 50 ટકા છે.

આ બંને કંપનીઓ આ વિલંબિત ચુકવણી કરવા માટે પર્યાપ્ત રીતે સક્ષમ હોવાનું જણાવીને જિયોએ જણાવ્યું હતું કે, ભારતી એરટેલ અને વોડાફોન-આઇડિયાએ લગભગ બે દાયકા અગાઉ બાકી નીકળતી કાયદેસર ચુકવણીની આવક વહેંચણીની પદ્ધતિનો સ્વીકાર કર્યો હતો એટલે હવે એની અગાઉની ચુકવણીમાં રાહત આપવી ન જોઈએ. કંપનીએ ઉમેર્યું હતું કે, “સીઓએઆઈ જિઓને નજરઅંદાજ કરીને બંને ટેલીકોમ કંપનીઓને રાહત આપવામાં અને બચાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. એક નિર્ધારિત એજન્ડા અંતર્ગત સીઓએઆઈ બંને ટેલીકોમ કંપનીઓ (એરટેલ અને વોડાફોન-આઇડિયા)નાં હિતોને જાળવવાની કોશિશ કરી રહી છે.”

 

જિયોએ પત્રમાં ભારપૂર્વક જણાવ્યું છે કે, બંને સર્વિસ પ્રોવાઇડર્સ પાસે પર્યાપ્ત નાણાકીય ક્ષમતા છે અને તેઓ સરકારને બાકી નીકળતી રકમ ચુકવવા સક્ષમ છે. બંને કંપનીઓ પોતાનાં હાલનાં રોકાણ કે સંપત્તિઓનું મોનેટાઇઝેશન કરીને કે નવી ઇક્વિટી ઇશ્યૂ કરીને એની ચુકવણી કરી શકે છે. જિઓએ જણાવ્યું છે કે, “અમે સર્વોચ્ચ અદાલતનાં ચુકાદા પર સીઓએઆઈ દ્વારા આ બંને ટેલીકોમ કંપનીઓને રાહત આપવાની માંગનો અસ્વીકાર કરવાની વિનંતી કરીએ છીએ. તમામ ઓપરેટર્સને 3 મહિનાનાં ગાળામાં બાકી નીકળતી રકમની ચુકવણી કરવાનું આવશ્યક બનાવવું જોઈએ.” ઉપરાંત જિયોએ પત્રમાં જણાવ્યું છે કે, “જો આ પ્રકારની છૂટ આપવામાં આવશે, તો અન્ય ક્ષેત્રોમાં અન્ય કંપનીઓને આવી જ અનુચિત પ્રક્રિયાનું અનુકરણ કરવાની છૂટ મળશે.”