1-જાન્યુઆરીથી જિયો ઓફ્ફ-નેટ સ્થાનિક કોલ્સને મફત કરશે

મુંબઈઃ રિલાયન્સ જિયો ઈન્ફોકોમ ઓફ્ફ-નેટ સ્થાનિક કોલ્સને 1 જાન્યુઆરીથી ફરીથી મફત કરશે. આવી સેવા પર ટેલિકોમ રેગ્યૂલેટર TRAI દ્વારા લાગુ કરાયેલા ઈન્ટરકનેક્ટ યુએસ ચાર્જિસ (આઈયૂસી) નાબૂદ થતાં રિલાયન્સ જિયો ફરીથી ઓફ્ફ-નેટ ડોમેસ્ટિક વોઈસ-કોલ ચાર્જિસ લેવાનું બંધ કરશે. આમ, 1 જાન્યુઆરી, 2021થી જિયો નેટવર્ક પરથી દેશના કોઈ પણ ખૂણે કોઈ પણ નેટવર્ક પર કરાનાર તમામ ઓફ્ફ-નેટ ડોમેસ્ટિક વોઈસ-કોલ્સ મફત થઈ જશે.

ઓન-નેટ ડોમેસ્ટિક કોલ્સ તો જિયો નેટવર્ક પર કાયમ માટે મફત કરી દેવામાં આવ્યા છે. આ જાણકારી કંપનીએ બહાર પાડેલા એક નિવેદનમાં આપવામાં આવી છે. અત્યાર સુધી ગ્રાહકોએ રિલાયન્સ જિયો નેટવર્ક પરથી અન્ય નેટવર્ક પર ઓફ્ફ-નેટ વોઈસ કોલ કરવા માટે 6 પૈસાનો આઈયૂસી ચાર્જ ચૂકવવો પડતો હતો. 2021ની 1 જાન્યુઆરીથી સરકારે જ આઈયૂસી ચાર્જ લેવાનું બંધ કરી દેતાં જિયોએ આ લાભ ગ્રાહકોને આપવાનું નક્કી કર્યું છે.