જેટનું ‘લેન્ડિંગ’ ટાટાના આંગણે થવાની શક્યતા, 8500 કરોડની…

નવી દિલ્હી- કરોડો રૂપિયાના દેવામાં ડૂબી ગયેલી જેટ એરવેઝમાં ટાટા ગ્રુપ મૂડીરોકાણ કરે એવા સંકેતો છે. ભારતીય સ્ટેટ બેંકની આગેવાનીમાં બેંકો દ્વારા ઈચ્છુક રોકાણકારો પાસે આવેદન (એક્સપ્રેશન ઓફ ઈન્ટ્રેસ્ટ – આઈ.ઓ.આઈ.) મગાવવામાં આવ્યાં હતાં. અંદાજ પ્રમાણે જેટ એરવેઝને ફરી બેઠી કરવા માટે આશરે 8500 કરોડ રૂપિયાના રોકાણની જરૂર પડશે. ટાટા ગ્રુપ આ માટે બીડ કરે એવી શક્યતા છે, જોકે આ મામલે ટાટાએ સત્તાવાર રીતે કોઈ નિવેદન આપવાની ના પાડી છે.

બીડ ભરવાની છેલ્લી તારીખ 9 એપ્રિલ છે. અગાઉ ગત નવેમ્બરમાં ટાટા બોર્ડમાં જેટ એરવેઝમાં રોકાણ માટે પ્રસ્તાવ પણ મૂકાયો હતો, પણ એ સમયે જેટ એરવેઝના પ્રમોટર્સ એમનો કન્ટ્રોલ જાળવવા ઈચ્છતા હોવાથી એ પ્રસ્તાવ પાછો ખેંચવામાં આવ્યો હતો.

ટાટા ગ્રુપ એરએશિયા અને વિસ્તારા એરલાઈન્સ જોઈન્ટ વેન્ચરમાં ચલાવે છે. એમની પાર્ટનર કંપની સિંગાપોર એરલાઈન્સ આ બીડમાં કંપનીને મદદ કરી રહી હોવાનું પણ કહેવાય છે. એક્સપર્ટનો મત એવો છે કે ટાટાનો લાંબા ગાળાનો પ્લાન જેટ એરવેઝ, એરએશિયા અને વિસ્તારાનું કોમ્બિનેશન યોજી એરલાઈન્સ માર્કેટ પર ઈન્ડિગોની સત્તાને પડકારવાનો હોઈ શકે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]