જેટ એરવેઝ ફરી હવામાં નહીં ઊંચકાય ! બેંકોએ લીધો આ નિર્ણય

નવી દિલ્હી– દેવામાં ડૂબેલ જેટ એરવેઝની ફરી હવામાં ઉડાન ભરવાની આશા હવે સમાપ્ત થતી દેખાઈ રહી છે. હકીકતમાં ભારતીય સ્ટેટ બેંકની આગેવાનીવાળા ગ્રુપે જેટ એરવેઝના ભવિષ્યને લઈને એક બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં બેંકોના ગ્રુપે જેટ એરવેઝમાં ફસાયેલા તેમના નાણાં માટે સમાધાનનો મામલો નાદારી કોડ હેઠળ કાર્યવાહી માટે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)માં મોકલવા માટે નિર્ણય કર્યો છે.

બેંકોએ અત્યાર સુધી કરેલા પ્રયત્નોમાં જેટ એરવેઝને ફરી બેઠી કરવા માટે કોઈ પણ એકમ તરફથી યોગ્ય પ્રસ્તાવ નથી મળ્યો. ઈતિહાદ-હિન્દુજાના સંગઠને આ એરલાઈનમાં રુચિ દાખવી છે પરંતુ તેમના તરફથી કોઈ યોગ્ય પ્રસ્તાવ હજુ સુધી પ્રાપ્ત નથી થયો. જેથી બેંકોની સોમવારે બેઠક મળી જેમાં એરલાઈન મામલાને એનસીએલટીમાં લઈ જવાનો નિર્ણય કરવામાં આવ્યો.

બેઠક પછી એસબીઆઈએ તેમના નિવેદનમાં કહ્યું કે, ઘણા વિચાર વિમર્શ પછી કર્જદાતાઓએ નિર્ણય કર્યો છે કે, નાદારી કોર્ટમાં હેઠળ જેટ એરવેઝનો મામલાનું નિરાકરણ લાવવામાં આવે. આ પગલું એટલા માટે જરૂરી છે કારણ કે, સંભવિત રોકાણકારો ડીલ માટે સેબી પાસેથી કેટલીક છૂટછાટ ઈચ્છે છે.

મહત્વનું છે કે, બેંકોને જેટ એરવેઝ પાસેથી 8 હજાર કરોડ રૂપિયાની વસૂલી કરવાની બાકી છે. જેટનું પરિચાલન 14 એપ્રિલથી બંધ છે. જેથી એરલાઈનના 23 હજાર કર્મચારીઓને છેલ્લાં ઘણા મહિનાઓથી પગાર પણ નથી ચૂકવાયો. તો બીજી તરફ જેટની સર્વિસ બંધ થવાથી હવાઈ ભાડામાં સરેરાશ 40 ટકાનો વધારો થઈ ગયો છે.