5 વર્ષમાં કેન્દ્રને RBI પાસેથી મળશે બમ્પર રકમ! જાલાન સમિતિના રિપોર્ટને અંતિમ રૂપ

નવી દિલ્હી- ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર બિમલ જાલાનની અધ્યક્ષતામાં રચાયેલ સમિતિએ કેન્દ્રીય બેંક પાસે રહેલી જરૂરીયાત કરતા વધારાની આરક્ષિત રકમ અંગેના તેમના રિપોર્ટને અંતિમરૂપ આપી દીધુ છે. સમિતિ એ વાત પર વિચારણા કરી રહી છે કે, રિઝર્વ બેંકે તેમની પાસે કેટલી રકમનો ભંડાર રાખવો જોઈએ. રિઝર્વ બેંક પાસે જમા રકમનું ઉચ્ચસ્તર કેટલું હોય આ મામલે સૂચનો આપવાને લઈને જ સમિતિની રચના કરવામાં આવી હતી. જૂદા જૂદા અનુમાનો અનુસાર રિઝર્વ બેંક પાસે 9 લાખ કરોડ રૂપિયાથી વધારે આરક્ષિત રકમ છે.

સુત્રોના જણાવ્યા અનુસાર સમિતિની બેઠક પછી રિપોર્ટને અંતિમ રૂપ આપવામાં આવ્યું છે, અને હવે આગળ બેઠકની જરૂર નથી. રિઝર્વ બેંક દ્વારા સરકારને હસ્તાંતરિત કરનારી વધારાની રકમ અંગે હજુ કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી પરંતુ આગામી 3થી 5 વર્ષ દરમિયાન સમય સમય પર હસ્તાંતરણ થઈ શકે છે. આરબીઆઈ પાસે ઉપલબ્ધ વધારાની આરક્ષિત રકમના હસ્તાંતરણથી સરકારને તેમની રાજકોષીય ખાધના લક્ષ્ય પર પહોંચવામાં મદદ મળશે. સરકારને મળનારી એક પ્રકારની અનપેક્ષિત આવક હશે.
સરકારે ચાલુ નાણાંકીય વર્ષમાં રાજકોષીય ખાધને સકલ ઘરેલૂ ઉત્પાદ (જીડીપી)ના 3.3 ટકા પર રાખવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. જોકે, ફેબ્રુઆરીમાં રજૂ કરેલા વચ્ચગાળાના બજેટમાં રાજકોષીય ખાધ જીડીપીના 3.4 ટકા રહેવાનું અનુમાન લગાવ્યું હતું. ચાલુ નાણાંકીય વર્ષમાં રિઝર્વ બેંક પાસેથી સરપ્લસ રકમ ઉપરાંત સરકારને 90 હજાર કરોડ રૂપિયાનો લાભાંશ મળવાની આશા છે. ગત નાણાંકીય વર્ષમાં સરકારને કેન્દ્રીય બેંક પાસેથી 68 કરોડ રૂપિયાનો લાભાંશ મળ્યો હતો.

રિઝર્વ બેંકે ગત વર્ષે આ સમિતિની રચના કરી હતી. ઝાલાન સમિતિએ તેમની પ્રથમ બેઠકના 90 દિવસની અંદરમાં રિપોર્ટ સોંપવાનો હતો. સમિતિને ત્રણ મહિનાનો વધારોનો સમય આપવામાં આવ્યો. રિઝર્વ બેંકના પૂર્વ ડેપ્યૂટી ગવર્નર રાકેશ મોહન સમિતિના વાઈસ ચેરમેન છે. સમિતિના અન્ય સભ્યોમાં નાણાં સચિવ સુભાષ ચંદ્ર ગર્ગ, રિઝર્વ બેંકના ડેપ્યૂટી ગવર્નર એન એસ વિશ્વનાથન અને બે રિઝર્વ બેંક કેન્દ્રીય બોર્ડના સભ્યો ભરત દોષી અને સુધીર માંકડનો સમાવેશ થાય છે.
મહત્વનું છે કે, સરકાર અને રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર ઉર્જિત પટેલ વચ્ચે કેન્દ્રીય બેંક પાસે  રહેલા 9 લાખ કરોડ રૂપિયાની વધારાની આરક્ષિત રકમને લઈને વિવાદ થયો હતો. નાણાં મંત્રાલયનું કહેવું હતું કે, રિઝર્વ બેંક પાસે ઉપલબ્ધ સકલ સંપત્તિઓનું 28 ટકા સ્ટોક વૈશ્વિક નિયમો કરતા ઘણો ઉંચો છે. વૈશ્વિક સ્તર પર આ પ્રકારનો ભંડાર 14 ટકા રાખવામાં આવે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]