3500 કરોડ રુપિયાથી વધુની બેનામી સંપત્તિ એટેચ, આઈટીએ લીધું પગલું

નવી દિલ્હી– ઇન્કમ ટેક્સ વિભાગે બેનામી સંપત્તિને લઇને કાર્યવાહી કરતાં 3500 કરોડ રુપિયાથી વધુ કીમતની સંપત્તિ જપ્ત કરી છે. 900થી વધુ કેસમાં કાર્યવાહી કરાઇ છે જેમાં પ્લોટ, ફ્લેટ, દુકાન, ઘરેણાં, વેહિકલ, બેંક ડીપોઝિટ અને એફડી શામેલ છે.  આ સંપત્તિઓમાં 2500 કરોડ રુપિયાની અચલ સંપત્તિ છે.

આઈટી વિભાગે નિવેદન જાહેર કરતાં જણાવ્યું હતું કે બ્લેકમની વિરુદ્ધ કાર્યવાહી ચાલુ રાખશે. બેનામી ટ્રાન્ઝેક્શન વિરુદ્ધ આવી કાર્યવાહી વધુ પ્રમાણમાં કરાશે. મે 2017માં પોતાના તપાસ નિર્દેશ હેઠળ 24 ડેડિકેટેડ બેનામી પ્રોહિબિશન યૂનિટ્સ-બીપીયુ બનાવ્યાં હતાં જેના દ્વારા બેનામી સંપત્તિ સંદર્ભે તેજગતિમાં કાર્યવાહી કરી શકે.

પાંચ કેસોમાં બેનામી સંપત્તિઓની તાત્કાલિત જપ્તીની રકમ રૂપિયા 150 કરોડ રૂપિયાથી વધુ છે, જેની ખરાઈ નિર્ણાયક અધિકારીએ કરી છે. આવા એક કેસમાં એ પણ સાબિત થયું છે કે એક રિયલ એસ્ટેટ કંપનીને લગભગ 50 એકર જમીનનું અધિગ્રહણ કર્યું, જેનું મૂલ્ય 110 કરોડ રૂપિયાથી વધુ હતું. તેના માટે એવા લોકોનાં નામોનો બેનામીદારોના રૂપમાં ઉપયોગ કરાયો, જેની પાસે આવકનું કોઈ સાધન જ નહોતું. આની ખરાઈ જમીન વેચવાવાળાની સાથે-સાથે આમાં સામેલ દલાલોએ કરી. એક અન્ય બાબતમાં વિમુદ્રીકરણ પછી બે આકારણી કરનારાઓએ પોતાના નોકરીદાતા, એસોસિએટ્સ વગેરેનાં નામથી અનેક બેંક ખાતાઓમાં વિમુદ્રીકૃત નાણાં જમા કરાવ્યાનું સામે આવ્યું હતું, જે ખરેખર એમના બેંક ખાતાઓમાં જમા થવા જોઇતા હતા. લાભાન્વિત થનારી વ્યક્તિને મોકલવાની કૂલ રકમ આશરે 39 કરોડ રૂપિયા હતી. બીજા એક કેસમાં, એક એવા વ્યક્તિનાં વાહનમાંથી 1.11 કરોડ રૂપિયાની રોકડ પકડાઇ હતી, જેણે આ રકમનો મલિક હોવાની ના પાડી દીધી હતી. આ સાથે જ આ રોકડની માલિકીની દાવેદારી કોઇએ ન કરી અને નિર્ણાયક પ્રાધિકાર દ્વારા એને બેનામી સંપત્તિ જાહેર કરી દેવામાં આવી હતી.

આવકવેરા વિભાગે બેનામી કાયદા અંતર્ગત કાર્યવાહીમાં વધારો કર્યો હતો. આ કાયદા પ્રમાણે સંપત્તિને તરત જપ્ત કરવાનો અને ત્યાર પછી બેનામી સંપત્તિને સામે કાર્યવાહી કરવાની જોગવાઇ છે, પછી ભલે તે ચલ સંપત્તિ હોય કે અચલ સંપત્તિ હોય. આમાં લાભાન્વિત થનારા વ્યક્તિ, બેનામીદાર અને બેનામી વ્યવહારોમાં સહભાગી થનારા માટે સજાની પણ જોગવાઇ છે, જેની સજામાં સાત વર્ષની જેલ અને સંપત્તિનાં બજાર મુલ્યનો 25 ટકા સુધીનો દંડ થઇ શકે છે.