ડિજિટલ સોદાઓને ઉત્તેજન આપવા IRCTCએ લોન્ચ કરી પોતાની પેમેન્ટ સિસ્ટમ iPay

મુંબઈ – ભારતીય રેલવેની કંપની ઈન્ડિયન રેલ કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) એ પોતાની પેમેન્ટ એગ્રીગેટર સિસ્ટમ iPay લોન્ચ કરી છે. આને લીધે હવે પ્રવાસીઓએ કોઈ થર્ડ પાર્ટી પ્લેટફોર્મ્સની જરૂર નહીં રહે.

ડિજિટલ સોદાઓને ઉત્તેજન અપાવવા માટે IRCTCએ તેની બહુપ્રતિક્ષિત પેમેન્ટ એગ્રીગેટર સિસ્ટમ ‘IRCTC iPay’ લોન્ચ કરી દીધી છે.

કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ એક્સક્લુઝિવ ડિજિટલ પેમેન્ટ ગેટવે રેલવે પ્રવાસીઓને વધુ સારો ડિજિટલ અનુભવ કરાવશે અને સુધારિત ઓનલાઈન ડિજિટલ પેમેન્ટ સવલત પૂરી પાડશે.

IRCTC ની વેબસાઈટ મારફત ઓનલાઈન પ્રવાસ સંબંધિત સેવાઓ મેળવવા માગતા પ્રવાસીઓને આનાથી ઘણી સુવિધા મળી રહેશે.

IRCTC આઈપે સુવિધા શરૂ થવાથી પ્રવાસીઓને કોઈ થર્ડ-પાર્ટી પેમેન્ટ પ્લેટફોર્મ્સની જરૂર નહીં રહે. IRCTC આઈપે સુવિધા ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ, ઈન્ટરનેશનલ કાર્ડ જેવા પેમેન્ટ વિકલ્પો પૂરા પાડશે.

IRCTC પ્રીપેઈડ કાર્ડ-કમ-વોલેટ તથા ઓટો ડેબિટના ઓપ્શન પણ ટૂંક સમયમાં જ ઉપલબ્ધ કરવામાં આવશે.

ભારતીય રેલવે કંપનીમાં IRCTC કેટરિંગ, ટુરિઝમ તથા ઓનલાઈન ટિકિટિંગ કામગીરીઓ સંભાળે છે.

બેન્કો, કાર્ડ નેટવર્ક્સ તથા અન્ય ભાગીદારો સાથે સીધા સંબંધ હોવાને કારણે પેમેન્ટ સિસ્ટમના સંપૂર્ણ અંકુશ IRCTC પાસે રહેશે. આને કારણે IRCTC તથા બેન્કો વચ્ચેનું અંતર ઘટી જશે અને પેમેન્ટમાં થતી નિષ્ફળતાઓના કેસો ઘટી જશે.

ધારો કે કોઈ ઓનલાઈન પેમેન્ટમાં નિષ્ફળ જાય અથવા કોઈ અન્ય ભૂલ થઈ જાય તો IRCTC થર્ડ પાર્ટીને બદલે પોતે જ સીધું બેન્કને સંપર્ક કરશે. અગાઉ થર્ટ પાર્ટીના માધ્યમથી સંપર્ક કરવાને કારણે ક્ષતિઓ રહી જતી હતી અને એમાં ઘણો સમય બરબાદ થઈ જતો હતો.

IRCTCનો દાવો છેકે આઈપે સુવિધા પેસેન્જર-ફ્રેન્ડલી, ઈઝી ટુ યુઝ, વિશ્વસનીય તથા ઝડપી બની રહેશે.