નિવૃતિ પછી શું? આ રહ્યા રોકાણના બેસ્ટ વિકલ્પો

નવી દિલ્હી: નોકરી સરકારી હોય કે પ્રાઈવેટ, નિવૃતિ પછી નાણા જરૂર દરેક વ્યક્તિને પડે છે. નોકરી પૂરી થયા બાદ દરેક વ્યક્તિ ઈચ્છે છે કે, તેમની પાસે નાણા આવતા રહે અને તેમની જીંદગી આરામથી નીકળે. જો તમારી પણ આ જ ઈચ્છા છે તો, બચત અને રોકાણના અનેક વિકલ્પો તમારી રિટાયરમેન્ટ પ્લાનિંગમાં મદદગાર સાબિત થઈ શકે છે.

PPF: નાણાની બચત માટે PPF સૌથી સારા વિકલ્પોમાંથી એક છે. PPF માં નાણા જમા કરતા જાઓ અને વ્યાજનો લાભ લેતા જાઓ. જો તમે ડેટમાં રોકાણ કરાવા ઈચ્છો છો તો, નિશ્ચિતરૂપે પીપીએફ એક સારો વિકલ્પ છે. આના પર મળતુ વ્યાજ પણ ટેક્સ ફ્રી હોય છે. તમે બેંક અને પોસ્ટ ઓફિસમાંથી પીપીએફ ખાતુ ખોલાવી શકો છો.

EPF:  રિટાયરમેન્ટ માટે એક સારી સેવિંગ સ્કીમ છે. તમને ખબર જ હશે કે, પગારમાંથી 12 ટકા રકમ ઈપીએફમાં જમા થાય છે. જેના પર વ્યાજદર 8.65 ટકા છે. જોકે, પગારદાર લોકો જ આનો ફાયદો મેળવી શકે છે.

મ્યુચ્યુઅલ ફંડ: મ્યુચ્યુઅલ ફંડ પૈસા બનાવવા માટે એક ખુબજ સરસ વિકલ્પ છે. પરંતુ આની શરત એટલી જ છે કે, આમાં લાંબા સમય માટે રોકાણ કરવું પડશે. મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી મારફતે રોકાણ કરી શકાય છે. લાંબાગાળા માટે ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સારુ વળતર આપે છે.

નેશનલ પેન્શન સિસ્ટમ અથવા NPS

નેશનલ પેન્શન સિસ્ટમમાં રોકાણનો ફાયદો એ છે કે, આમા તમે આવકવેરા અધિનિયમની ધારા 80સી હેઠળ 1.5 લાખ રૂપિયા સુધી ટેક્સ છૂટનો લાભ મેળવી શકો છો. આમા 6 અલગ અલગ ફંડમાં રોકાણ કરી શકાય છે. આમા વાર્ષીક ઓછામાં ઓછુ રોકાણ 6000 રૂપિયા કરી શકો છો જ્યારે વધુમાં વધુ રોકાણ કરવાની કોઈ મર્યાદા નથી.

રિયલ એસ્ટેટ: નિવૃતિ માટે કરવામાં આવતા રોકાણમાં રિયલ એસ્ટેટ પણ એક સારો વિકલ્પ છે. નિવૃતિ પછી જો તમારી પ્રોપર્ટી ભાડા પર છે તો તેમાંથી તમને એક રેગ્યુલર આવક મળતી રહે છે. આ રોકાણ તમે નિવૃતિ પહેલા અથવા નિવૃતિ પછી પણ કરી શકો છો.