નીરવ મોદી વિરુદ્ધ જાહેર થઇ ઇન્ટરપોલ રેડ કોર્નર નોટિસ

નવી દિલ્હી- હજારો કરોડના કૌભાંડી નીરવ મોદી વિરૂદ્ધ આંતરરાષ્ટ્રીય એજન્સી ઈન્ટરપોલ દ્વારા રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી છે. ઇન્ટરપોલને 13 હજાર કરોડથી વધુના કૌભાંડની તપાસ કરી રહેલી CBI દ્વારા દસ્તાવેજ પાઠવાયાં બાદ આ પગલું લેવામાં આવ્યું છે.

ૉCBI દ્વારા જે દસ્તાવેજ ઈન્ટરપોલને અપાયાં હતાં તેમાં મુંબઈની વિશેષ અદાલત દ્વારા જાહેર કરાયેલાં બિન જામીનપાત્ર વોરન્ટ અને આ મામલે દાખલ આરોપપત્રોની જાણકારી સહિત અન્ય ડોક્યુમેન્ટ્સ સામેલ હતા. પાસપોર્ટ રદ થવાથી માત્ર ધરપકડ કરવી શક્ય નથી, અનેક દેશ તેને માન્ય નથી રાખતાં. જો કે મોટાભાગના તમામ દેશ ઈન્ટરપોલ દ્વારા જાહેર કરવામાં આવેલી રેડ કોર્નર નોટિસને માન્ય રાખે છે. એવામાં નીરવ મોદી વિરૂદ્ધ નોટિસ જાહેર કરી દેવાઈ છે. ત્યારે હવે તેની ધરપકડ શક્ય બની શકે છે.

વિવિધ તપાસમાં બહાર આવી ચૂક્યું છે કે નીરવ મોદીએ 15 માર્ચથી 31 માર્ચ વચ્ચે ભારતીય પાસપોર્ટ પર અમેરિકા, ઈંગ્લેન્ડ અને હોંગકોંગની યાત્રાઓ કરી હતી. ઈન્ટરપોલ મુજબ નીરવ મોદીએ રદ થયેલાં પાસપોર્ટ પર ચાર યાત્રાઓ કરી હતી.