આ પ્રયત્નો સફળ થયાં તો ઘટશે ઈન્ટરનેશનલ રોમિંગ ચાર્જ…

0
1239

નવી દિલ્હીઃ ટ્રાઈ દ્વારા અત્યારે હાથ ધરવામાં આવેલા કેટલાક પ્રયત્નો જો સફળ થાય તો, ઈન્ટરનેશનલ રોમિંગનો ચાર્જ ઘટે તેવી સંભાવના છે. ટ્રાઈએ અન્ય દેશોના સમાન સત્તાવાળાઓ સાથે વિદેશમાં જતાં ગ્રાહકો માટે રોમિંગ ચાર્જમાં ઘટાડો કરવા અંગે ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી છે.

અન્ય દેશોમાં કંપનીઓ દ્વારા જે રોમિંગ ચાર્જ વસૂલવામાં આવે છે તેમાં ઘટાડો કરવા માટે TRAIએ SAARC દેશો (પાકિસ્તાન સિવાય) સાથે વાટાઘાટ હાથ ધરીને શરૂઆત કરી છે. જેમ કે, નેપાળમાં રોમિંગ ચાર્જ તો બ્રિટન જેટલા ઊંચા છે. ‘અમે આ દેશોના નિયમનકારોની દલીલ સાંભળી છે. અમે આ મહિને આંતરિક સમીક્ષા માટે બેઠક યોજવાના છીએ.” એમ TRAIના સિનિયર અધિકારીએ જણાવ્યું હતું.

TRAI માને છે કે, જો તે પાડોશી દેશોને ટેરિફમાં ઘટાડો કરવા માટે દ્વિપક્ષીય મંત્રણા દ્વારા સમજાવી શકશે તો ત્યાર બાદ યુરોપ, આફ્રિકા અને લેટિન અમેરિકા જેવા દેશો સાથે પણ મંત્રણા કરવામાં આવશે. આ દેશોના ટેરિફ ભારત દ્વારા ચાર્જ કરવામાં આવતા ટેરિફ કરતાં વધારે છે. નેપાળ, ભુતાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, માલદીવ્સ અને અફઘાનિસ્તાન સહિતના દેશો સાથે થયેલી મંત્રણા અત્યાર સુધી તો પોઝિટિવ રહી છે એમ અધિકારીએ જણાવ્યું હતું.

હવે તેનાં પરિણામ શું આવે છે તેના પર સૌની નજર છે. ભારતના કેટલાક પાડોશી દેશોના રોમિંગ ચાર્જ તો બ્રિટન, અમેરિકા અને કેનેડા કરતાં પણ ‌વધારે છે. TRAIનો હેતુ વિદેશમાં જતા પ્રવાસીઓને ભારતીય કંપનીઓના રોમિંગ પેક ખરીદતા કરવાનો છે.

ઘણા પ્રવાસીઓ વિદેશમાં જતી વખતે વાઇ-ફાઇ હોટસ્પોટનો ઉપયોગ કરે છે અથવા ફોરેન કંપનીના SIMનો ઉપયોગ કરે છે, જેના કારણે ભારતીય ટેલિકોમ કંપનીઓને આવક થતી નથી.