ઈન્ફોસિસમાં કડાકાથી રોકાણકારોના 53,451 કરોડ ધોવાયા

મુંબઈ: દેશની બીજા નંબરની સૌથી મોટી માહિતી ટેકનોલોજી કંપની ઈન્ફોસિસના શેરમાં મંગળવારે અંદાજે 17 ટકાનો કડાકો બોલ્યો હતો. આના કારણે કંપનીની માર્કેટ વેલ્યૂ (માર્કેટ કેપ)માં 53,451 કરોડ રૂપિયાનો ઘટાડો થયો હતો. એક વ્હિલસરબ્લોઅર ફરિયાદમાં કંપનીના સીઈઓ સલિલ પારેખ અને સીએફઓ નીલંજય રોય પર ખાતામાં ગરબડ કરીને કંપનીના નફામાં વધારો કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે, આ ફરિયાદ બાદ કંપનીના શેરમાં કડાકો બોલી ગયો છે. છેલ્લા 6 વર્ષમાં પ્રથમ વખત કંપનીના શેરમાં આટલો મોટો ઘટાડો નોંધાયો હતો.

મંગળવારે BSE પર કંપનીનો શેર 16.21 ટકાના નુકસાન સાથે 643.30 રૂપિયા પર બંધ થયો હતો જ્યારે NSE પર કંપનીનો શેર 16.65 ટકાના નુકસાન સાથે 640 રૂપિયા પર બંધ આવ્યો હતો. શેરમાં જોરદાર ઘટાડાની વચ્ચે કંપનીની માર્કેટ કેપ 53,450.92 કરોડ રૂપિયા ઘટીને 2,76,300.80 કરોડ રૂપિયા પર આવી ગઈ. ઈન્ફોસિસ ચેરમેન નંદન નીલેકણીએ એક નિવેદનમાં કહ્યું કે, કંપનીની ઓડિટ સમિતિ વ્હિસલબ્લોઅર ફરિયાદની સ્વતંત્ર તપાસ કરશે.

ઉલ્લેખનીય છે કે એથિકલ એમ્પોઈઝ નામનાં એક ગ્રુપે ઇન્ફોસિસ બોર્ડ અને અમેરિકાનાં સિક્યુરિટી & એક્સચેન્જ કમિશનને ફરિયાદ કરી છે. આ ગ્રૂપે કહ્યુ છે કે કંપનીનો નફો વધારે બતાવવા માટે તેમણે રોકાણ નીતિ અને એકાઉન્ટિંગમાં છેડછાડ કરી છે અને ઑર્ડિટરને અંધારામાં રાખ્યા છે. આ ગ્રૂપનુ કહેવુ છે કે તેમની પાસે પોતાના આરોપોના પુરાવામાં ઈ-મેલ અને વોઈસ રેકોર્ડિંગ પણ છે.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]