આર્બિટ્રેશન કેસમાં ઈન્ફોસીસની હાર, રાજીવ બંસલને આપવા પડશે 12.17 કરોડ

નવી દિલ્હીઃ આઈટી કંપની ઈન્ફોસીસને તેના પૂર્વ ફાઈનાંશિયલ ઓફિસર રાજીવ બંસલને 12.17 રુપિયા આપવાનો આદેશ મળ્યો છે. કંપનીએ આ રકમ પર વ્યાજ પણ આપવાનું રહેશે. બંસલના પક્ષમાં આ આદેશ આર્બિટ્રેશન ટ્રાઈબ્યૂનલે આપ્યો છે. આપને જણાવી દઈએ કે બંસલ જ આ મામલાને ટ્રાઈબ્યૂનલ સામે લઈને ગયા હતા. બંસલે આરોપ લગાવ્યો હતો કે કંપનીએ તેમને 17.38 કરોડ રુપિયાનું સેવરન્સ પે નથી આપ્યું.

બંસલે 2015માં ઈન્ફોસિસ કંપનીને છોડી દીધી હતી અને આ કંપની છોડ્યા બાદ 17.38 કરોડ રુપિયાની સેવિંગ અમાઉન્ટની આશા તેઓ રાખીને બેઠા હતા. પરંતુ કંપનીએ તેમને માત્ર 5.2 કરોડ રુપિયા જ આપ્યા અને બાકીની રકમ એ કહેતા રોકી લીધી કે બંસલ કેટલાક કર્તવ્યોનું પાલન ન કરી શક્યા. ત્યારબાદ બંસલ આ મામલાને આર્બિટ્રેશનમાં લઈને ગયા હતા. ત્યારે ઈન્ફોસિસે પણ બંસલ વિરુદ્ધ કાઉન્ટર ક્લેમ દાખલ કરતા પહેલા આપવામાં આવેલા 5.2 કરોડ રુપિયા રિફંડ કરવા અને બાકી નુકસાનોની ભરપાઈ કરવા જણાવ્યું હતું.

બંસલના સેવરન્સ પેકેજને લઈને ઈન્ફોસિસમાં કોર્પોરેટ ગવર્નન્સ ઈશ્યુ ઉભો થઈ ગયો હતો. 2017માં લગભગ આખુ વર્ષ આ મામલો ચાલ્યો હતો. કંપનીના ફાઉન્ડર એન.આર.નારાયણ મૂર્તીએ જણાવ્યું હતું કે એવું લાગી રહ્યું છે કે સેવરન્સ પેકેજ બંસલને ચૂપ રહેવા માટે આપવામાં આવ્યું હતું. આ મામલાના કારણે ઈન્ફોસિસના તત્કાલીન સીઈઓ વિશાલ સિક્કા અને ચાર બોર્ડ મેમ્બર્સને જવું પડ્યું હતું. આમાં ઈન્ફોસિસના તત્કાલીન ચેરમેન આર સેશાસાયી પણ સમાવિષ્ટ હતા.