ચીન અને અમરિકાના ટ્રેડ વોરથી ભારતમાં આવશે સસ્તું ક્રૂડ ઓઈલ

નવી દિલ્હીઃ ઈરાન પર પ્રતિબંધ લાગુ થયા પહેલાં અમેરિકાથી ભારતની કાચા તેલની ખરીદી રેકોર્ડ સ્તર પર પહોંચી ગઈ છે. જૂનમાં અમેરિકાથી કાચા તેલની આયાત રેકોર્ડ સ્તર પહોંચી ગઈ છે. આ આંકડો ગત વર્ષના મુકાબલે લગભગ બે ગણો છે. એશિયાઈ દેશોએ તેલની આપૂર્તિ માટે ઈરાન અને વેનેઝુએલાની જગ્યાએ અમેરિકાની વાટ પકડી છે જે ટ્રમ્પ પ્રશાસન માટે એક પ્રકારે જીત જ છે.

આપને જણાવી દઈએ કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે પોતાના સહયોગી દેશોને ઈરાનથી નવેમ્બર સુધી કોઈપણ પ્રકારની આયાતને પૂર્ણ રીતે ખતમ કરવા જણાવ્યું છે. તાજેતરના આંકડાઓ અનુસાર પ્રતિદિન 1.76 મિલિયન બેરલ તેલની નિર્યાત કરીને અમેરિકા ક્રૂડના મોટા એક્સપોટર્સ પૈકી એક બની ગયું છે. આ આંકડો એપ્રિલ મહિનાનો છે.

આંકડાઓ અનુસાર જુલાઈ સુધી અમેરિકાના ટ્રેડર્સ 15 મિલિયન બેરલ ક્રૂડ ઓઈલ ભારત મોકલશે જ્યારે 2017માં આ આંકડો માત્ર 8 મિલિયન બેરલ જ હતો. જો અમેરિકાથી આવનારા સામાન પર ચીને ટેરિફમાં વધારો કર્યો, તો પછી ભારત દ્વારા અમેરિકી કાચા તેલની આયાત વધી શકે છે. ચીનના ટેરિફને લઈને ભારતને ફાયદો થશે કારણ કે અમેરિકાને કીંમત ઘટાડવી પડી શકે છે.

સૌથી મહત્વની વાત એ છે કે અમેરિકી ક્રૂડ ઓઈલની માંગમાં એટલે વધારો થયો છે કારણ કે તેની કીંમત ઓછી છે. જો ચીન દ્વારા અમેરિકી તેલની આયાતમાં ઘટાડો કરવામાં આવે તો કીંમત ઘટી શકે છે. જો આવું થશે તો ભારત દ્વારા અમેરિકાથી ક્રૂડની આયાતમાં વધારો થશે.