2019ના અંત સુધીમાં ભારતને 100 Gbps ઈન્ટરનેટ સ્પીડ મળશે

હૈદરાબાદ – કંગાળ ઈન્ટરનેટ સ્પીડ ભારતમાં લોકોની મોટી ફરિયાદ છે, પણ આવતા વર્ષના અંત સુધીમાં આ સમસ્યા દૂર થઈ જવાની ધારણા છે. ભારતની અવકાશ સંશોધન સંસ્થા ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના ચેરમેન ડો. કે. સિવનનું કહેવું છે કે 2019ની સાલના અંત સુધીમાં ભારતને 100 Gbps ઈન્ટરનેટ સ્પીડ મળતી થઈ જશે, જે હાલ આશરે 10 mbps કરતાં પણ ઓછી છે.

સિવને કહ્યું છે કે 2017માં અવકાશમાં લોન્ચ કરાયેલા ભારતના કૃત્રિમ ઉપગ્રહ GSAT-19, તેમજ હજી લોન્ચ કરવાના બાકી છે તે GSAT-11, GSAT-29 અને GSAT-20 બધા સાથે મળીને હાઈ બેન્ડવિથ કનેક્ટિવિટી પૂરી પાડશે અને ડિજિટલ સેક્ટરમાં જે અંતર છે તે દૂર કરી દેશે.

જિયો ફાઈબરે ખાતરી આપી છે કે એ ભારતીયોને એટલી બધી ઈન્ટરનેટ સ્પીડ આપશે કે ભારતીયોએ અત્યાર સુધી ક્યારેય જોઈ નહીં હોય, પણ ઈસરોના ચેરમેને કહ્યું છે કે દેશભરમાં 100 Gbps ઈન્ટરનેટ સ્પીડ મળશે.

ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યાની દ્રષ્ટિએ દુનિયામાં ભારત બીજા નંબરે છે, પણ હાલની બ્રોડબેન્ડ એવરેજ સ્પીડની દ્રષ્ટિએ ભારતનો નંબર 149 દેશોમાં 89મો છે. 2017ના ડિસેંબરના અંત સુધીમાં ભારતમાં 48 કરોડ 10 લાખ ઈન્ટરનેટ યુઝર્સ નોંધાયા હતા. દેશની કુલ વસ્તીનો આ 35 ટકા હિસ્સો થાય.

દુનિયામાં સૌથી વધુ ઈન્ટરનેટ સ્પીડ ધરાવતા દેશોની યાદીમાં સાઉથ કોરિયા પહેલા નંબરે છે. ત્યાં 28.6 mbps સ્પીડ મળે છે. ટોપ-5માં અન્ય છે – નોર્વે (23.5), સ્વીડન (22.5), હોંગકોંગ (21.9) અને સ્વિટ્ઝરલેન્ડ (21.7).

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]