નવી દિલ્હીઃ અમેરિકાએ અન્ય દેશોની પ્રોડક્ટ પર કર વધારી ટ્રેડ વોરની શરુઆત કર્યાં પછી અન્ય દેશોની જેમ હવે ભારતે પણ વળતાં પગલાં તરીકે અમેરિકાને જવાબ આપ્યો છે. અમેરિકાથી ભારતમાં આયાત થતી 30 જેટલી વસ્તુઓ પર ઇમ્પોર્ટ ડ્યૂટીની છૂટ સમાપ્ત કરી દેવામાં આવી છે.
ભારતે અમેરિકાથી આયાત થતી 30 વસ્તુઓ પર કરેલ ઇમ્પોર્ટ ડ્યૂટી વધારા અંગે વર્લ્ડ ટ્રેડ ઓગેનાઇઝેશનને પણ જાણકારી આપી દીધી છે. જેમાં જણાવાયું છે કે અમેરિકન સામાન પર સમાપ્ત કરવામાં આવેલી છૂટ તેની અને ભારતની પ્રોડક્ટ પર લગાવવામાં આવેલી ડ્યૂટીના પ્રમાણમાં રહેશે.
ભારતે 800 સીસીથી વધુની ક્ષમતાની બાઇક, તાજાં સફરજન અને બદામ જેવી 30 ચીજવસ્તુઓ પર ડ્યૂટી વધારી છે. જ્યારે અમેરિકાએ ભારતથી અમેરિકા જતાં સ્ટીલ અને એલ્યૂનિયમ પર ઇમ્પોર્ટ ડ્યૂટી વધારી દીધી છે.
હવેથી અમેરિકાથી આયાત થનારી 800 સીસીથી વધુની ક્ષમતાવાળી બાઇક પર 50 ટકા ડ્યૂટી લાગશે. બદામ પર 20 ટકા અને સફરજન પર 25 ટકા ડ્યૂટી લાગશે. આ વધારો 21 જૂનથી લાગુ પડી જશે. એક અનુમાન છે કે ઇમ્પોર્ટ ડ્યૂટીમાં થયેલા આ વધારાથી 238.09 મિલિયન અમેરિકન ડોલરનું રાજસ્વ મેળવી શકાશે.