ઇન્ડિયા રેટિંગ્સે રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડનું રેટિંગ ડાઉનગ્રેડ કર્યું…

નવી દિલ્હીઃ  રેટિંગ એજન્સી ઈન્ડિયા રેટિંગ્સ દ્વારા રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડનું લાંબા ગાળાનું રેટિંગ ડાઉનગ્રેડ કરી દેવામાં આવ્યું છે. આ રેટિંગને ડાઉનગ્રેડ કરીને તેને ‘D-ઇશ્યુઅર નોટ કો-ઓપરેટિંગ’ હેઠળ મૂકી દેવામાં આવ્યું છે. અનિલ અંબાણીની આ કંપનીના ઓડિટરોએ તેના નાણાકીય પરિણામ જાહેર કરવા સામે પ્રશ્નો ઉઠાવ્યા અને કંપની ટકી શકશે કે કેમ તે અંગે શંકા દર્શાવી છે તેના એક સપ્તાહમાં જ તેનું રેટિંગ ડાઉનગ્રેડ થયું છે.

રેટિંગ એજન્સીએ કહ્યું હતું કે સતત વિનંતી અને ફોલો-અપ છતાં રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે રેટિંગની પ્રક્રિયામાં ભાગ લીધો ન હતો. મતલબ કે કંપનીએ રેટિંગ મામલે સહયોગ કર્યો ન હતો. આથી તેને નોટ કો-ઓપરેટિંગ હેઠળ મૂકવામાં આવી હતી. તેણે કહ્યું કે રોકાણકારો અને અન્ય લોકોએ રેટિંગનો ઉપયોગ કરીને રોકાણ કરવામાં યોગ્ય સાવચેતી રાખવી પડશે. રેટિંગ એજન્સીએ કહ્યું કે રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમયસર દેવું ચૂકવવામાં વિલંબ કરી રહી છે. હવે જો તે સતત ત્રણ મહિના નિયમિત સમયસર દેવું ચૂકવશે તો તેનું રેટિંગ અપગ્રેડ કરાશે.

રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ રિલાયન્સ અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રૂપની ફ્લેગશિપ કંપની છે જે એનર્જી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસમાં સક્રિય છે. કંપનીએ માર્ચના ક્વાર્ટરમાં 3,301 કરોડની ખોટ દર્શાવી હતી. ગયા વર્ષે આ ગાળામાં તેણે 133.66 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. વાર્ષિક ધોરણે કંપનીની ખોટ 2,426.82 કરોડ હતી. તે અગાઉના વર્ષે કંપનીએ ₹1,255.50 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]