ભારત સૌથી ઝડપી ગતિએ વિકાસ પામતી અર્થવ્યવસ્થા છે: જેટલી

નવી દિલ્હી – કેન્દ્રીય નાણાં પ્રધાન અરૂણ જેટલીએ જણાવ્યું છે કે વર્ષ 2017-18ના ચોથા ક્વાર્ટરમાં નોંધાયેલો 7.7 ટકાનો આર્થિક વિકાસ દર દર્શાવે છે કે ભારત વિશ્વમાં ખૂબ ઝડપથી વિકાસ પામી રહેલી અર્થવ્યવસ્થા છે અને આ ટ્રેન્ડ કેટલાક વર્ષ સુધી ચાલુ રહેશે એવી ધારણા છે.

સરકારના ટીકાકારોને ટોણો મારતાં જેટલીએ કહ્યું છે કે ભારતનો જીડીપી આંક નોટબંધી અને જીએસટીના અમલીકરણને પગલે બે ટકા ઘટ્યો નથી અને ભૂતપૂર્વ નાણાં પ્રધાનોની આગાહી મુજબ ભારત ગરીબીની હાલતમાં જીવશે પણ નહીં.

નોટબંધી અને ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સના અમલીકરણ જેવા માળખાકીય સુધારા આપણા બે પડકારરૂપ પાસાં બની ગયા છે. જે લોકોએ એવી ભવિષ્યવાણી કરી છે કે જીડીપી ગ્રોથ બે ટકા ઘટી જશે એ લોકો સદંતરપણે ખોટા પડવાના છે, એમ જેટલીએ કહ્યું.

ઉલ્લેખનીય છે કે ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહએ એવી ભવિષ્યવાણી કરી છે કે નોટબંધીના પગલાંને કારણે ભારતનો જીડીપી આંક બે ટકા ઘટી જશે તો ભૂતપૂર્વ નાણાં પ્રધાન યશવંત સિન્હાએ એમ કહ્યું છે કે મોદી સરકારની નીતિઓ લોકોને વધારે ગરીબ બનાવી દેશે.