તણાવની વાતો વચ્ચે ભારત-ચીનનો દ્વિપક્ષીય વેપારમાં નવો રેકોર્ડ

નવી દિલ્હી– ભારત-ચીન દ્વિપક્ષીય વેપાર નવી ઊંચાઇને આંબી ગયો છે. 2017માં બંને દેશો વચ્ચે રાજકીય તનાતની વચ્ચે પણ તેમનો વેપાર 5,47,982 કરોડ રુપિયાએ પહોંચી ગયો છે.

ઉલ્લેખનીય છે કે આ આંકડો બંને દેશો વચ્ચે ગંભીર બનેલાં ડોકલામ સંકટ અને અન્ય વિવાદોની વચ્ચે આવ્યો છે. વળી, આ આંકડો ચીનના સાધારણ સીમા શુલ્ક પ્રશાસનના આંકડામાં બહાર આવ્યો છે. આ દ્વારા જાણવા મળી રહ્યું છે 2017માં ભારતે ચીનમાં કરેલી નિકાસ લગભગ 40 ટકા વધીને 16.34 અબજ ડૉલર થઇ છે. બંને દેશોનો દ્વિપક્ષીય વેપાર 18.63 ટકા વધીને 84.44 અબજ ડૉલર થયો છે.

આ આંકડો ઐતિહાસિક પણ છે કેમ કે બંને દેશો વચ્ચેનો વેપાર પ્રથમવાર 80 અબજ ડૉલરની ઉપર પહેલીવાર ગયો છે. ગયા વર્ષે 71.18 અબજ ડૉલરનો વેપાર નોંધાયો હતો.

બંને દેશના નેતાઓએ વેપાર સહયોગને 2015 સુધીમાં 100 અબજ ડૉલર સુધી લઇ જવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું હતું. પરંતુ પાછલાં વર્ષોમાં દ્વિપક્ષીય વેપાર 70 અબજ ડૉલર પર ટકી રહ્યો હતો. એ રીતે જોતાં 2017નો આંકડો પણ લક્ષ્યથી 20 અબજ ડૉલર ઓછો જ રહ્યો છે.

બંને દેશોના અધિકારીઓનું માનવું છે 2018માં વેપાર અને ભારતમાં ચીનની નિકાસ વેગ પકડશે. કારણ કે બંને દેશની સરકાર તણાવ ઘટાડવા પ્રયાસ કરી રહી છે. પીએમ મોદી આ વર્ષના જૂનમાં ક્વિંગડાઓમાં શાંઘાઇ સહયોગ સંગઠન શિખર સંમેલનમાં ભાગ લે તેવી શક્યતા છે. તો ચીનના નેતા પણ આ વર્ષે ભારતયાત્રાએ આવી શકે છે.