આવતા મહિને SBI હોમ લોનના વ્યાજદરમાં કરશે વધારો

નવી દિલ્હીઃ જો તમે લોન લઈને એક નાનકડું ઘરનું ઘર લેવા ઈચ્છી રહ્યાં છો તો પછી આ સપ્તાહે જ લોન માટે એપ્લાય કરી દો. કારણ કે આવતા મહિનાથી ભારતીય સ્ટેટ બેંક હોમ લોનના વ્યાજદરમાં 0.1 ટકાનો વધારો કરવા જઈ રહી છે. 30 લાખ રુપિયા સુધીની લોન પર એસબીઆઈના વ્યાજદરો અત્યારે 8.5 ટકા છે જે અન્ય બેંકોની સરખામણીએ ઓછા છે. આવતા માસથી આ વ્યાજદર વધીને 8.6 ટકા થઈ જશે. આવતા સપ્તાહથી એસબીઆઈ વ્યાજદરમાં વધારાની ઔપચારિક જાહેરાત કરશે.

પ્રાપ્ત માહિતી અનુસાર નવા વ્યાજદરની જાહેરાત પહેલા જો કોઈ ગ્રાહકનું લોન અકાઉન્ટ ખુલે તો તેના માટે જૂના વ્યાજદર જ લાગુ પડશે. એટલે અત્યારે જે લોકો એસબીઆઈમાં હોમલોન લેવા ઈચ્છે છે તે જો આ સપ્તાહમાં જ બેંકમાંથી પોતાની હોમલોન લઈ લેશે તો તેમના માટે નવા વ્યાજદરો લાગુ નહી પડે અને તેમને ફાયદો થશે.

30 લાખ રુપિયા સુધીની હોમલોન લેવા માટે એસબીઆઈ અત્યારે અન્ય બેંકો કરતા સસ્તા દરે લોન આપી રહી છે. એસબીઆઈ 30 લાખ રુપિયા સુધીની લોન પર 8.5 ટકાના દરથી વ્યાજ ચાર્જ કરી રહી છે જ્યારે એચડીએફસી 30 લાખ રુપિયા સુધીની લોન પર 8.7 ટકાના દરથી વ્યાજ લે છે. આઈસીઆઈસીઆઈ બેંકનો વ્યાજ દર 8.55 ટકા છે. પ્રાપ્ત વિગતો અનુસાર ગત મહિને આરબીઆઈ દ્વારા મૌદ્રીક નીતિમાં બદલાવ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ એસબીઆઈએ ફિક્સ્ડ ડિપોઝિટ પર રીટેલ ઈન્ટરેસ્ટ રેટમાં વધારો કર્યો હતો. પરંતુ હોમલોનના વ્યાજદરમાં કોઈ બદલાવ કરવામાં નહોતો આવ્યો. એટલા માટે જ એસબીઆઈ દ્વારા આવતા મહીને  હોમલોનના વ્યાજદરમાં વધારો કરવામાં આવી રહ્યો છે.