નોટબંધી: જૂની નોટો જમા કરવા સંબંધિત 1.5 લાખ કેસની તપાસ, ગુજરાત મોખરે

નવી દિલ્હી- એકતરફ નોટબંધીની નિષ્ફળતાને લઈને રાજકીય પક્ષો મોદી સરકાર પર પ્રહારો કરી રહ્યાં છે, તો બીજી તરફ ઈનકમ ટેક્સવિભાગ દ્વારા નોટબંધી બાદ બેંક ખાતાઓમાં મોટી રકમ જમા કરાવનાર 1.5 લાખ કેસની તપાસ ચાલી રહી છે. આ તમામ કિસ્સાઓમાં મોટી સંખ્યામાં 500 અને 1000ની જૂની નોટો જમા કરવામાં આવી તેનો સ્ત્રોત શું છે તે અંગેની સ્પષ્ટ માહિતી નથી. આ એવા લોકો છે જેમણે પહેલાં આ પ્રકારની કોઈ આવકની જાહેરાત કરી ન હતી. દિલચસ્પ વાત તો એ છે કે, આ મામલે વર્ષ 2017-18થી 2018-19 દરમિયાન વડાપ્રધાન મોદીના હોમ ગ્રાઉડ ગુજરાતના લોકો સૌથી આગળ છે.

આવકવેરા વિભાગે વર્ષ 2017- 18 દરમિયાન બેંકોમાં મોટા પ્રમાણમાં નાણાં જમા કરવા મામાલે 20,088 કેસોની તપાસ શરુ કરી છે. આ તમામ મામલાઓ નોટબંધી (8 નવેમ્બરથી 31 ડિસેમ્બર 2016) દરમિયાન મોટા પ્રમાણમાં નાણાં જમા કરવાના છે. વર્ષ 2017-18થી 2018-19 દરમિયાન જૂની નોટો જમા કરવા સંબંધિત સૌથી વધુ મામલાઓ ગુજરાતમાંથી નોંધાયા છે.

વર્ષ 2018 19 દરમિયાન આવકવેરા વિભાગ પાસે તપાસ માટે 1,34,574 કેસ આવ્યા હતાં. વર્ષ 2017 18 દરમિયાન  આવક વેરા એક્ટ 1961ની કલમ 142 (1) હેઠળ 2,99,937 જમાકર્તાઓને નોટિસ મોકલવામાં આવી હતી. આ લોકોએ નોટબંધી દરમિયાન જંગી પ્રમાણમાં નાણાં જમા કરાવ્યા હતાં, પરંતુ ઈનકમ ટેક્સ રિટર્ન ન હતું ભર્યું.

નોટબંધી બાદ કાળા નાણાં પર અંકુશ લાદવા માટે આવક વેરા વિભાગ દ્વારા નાણાં ખાતામાં નાણાં જમા કરવા સંબંધિત નિયમોમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યાં હતાં. જેમ કે, PAN કાર્ડ ફરજિયાત, એન્યુઅલ ઈન્ફોર્મેશન રિટર્ન રુલ્સ (AIR) માં ફેરફાર વગેરે જેવા પગલાંઓને કારણે જે લોકોના આવકનો સ્ત્રોત સ્પષ્ટ ન હતો અને મોટી રકમ જમા કરાવી હતી તેવા ખાતેદારોને વિભાગે સરળતાથી ઓળખ કરી લીધી હતી.

સંસદમાં એક સવાલના જવાબમાં રાજ્ય નાણાં પ્રધાન શિવ પ્રતાપ શુક્લાએ આ મામલે રાજ્યવાર આંકડાઓ જાહેર કર્યાં હતાં. જેમાં વર્ષ 2018 19 દરમિયાન આ મામલે સૌથી આગળ ગુજરાત રહ્યું હતું. ત્યાર બાદ કર્ણાટક, ગોવા ,તમિલનાડુ, આધ્ર પ્રદેશ, અને તેલંગણાનો સમાવેશ થાય છે. વર્ષ 2017 18 દરમિયાન તામિલનાડુ સૌથી આગળ હતું, ત્યાર બાદના ક્રમે ગુજરાત હતું.