NCLT: કેસ ચાલશે તો એરિક્સને 550 કરોડ આરકોમને પરત કરવા પડશે

મુંબઈ: નેશનલ કંપની લો એપલેટ ટ્રિબ્યુનલ (NCLAT)એ જણાવ્યું કે તે દેવાના ડુંગર હેઠળ દબાયેલી રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (આરકોમ)ની નાદારીની કાર્યવાહી અંગે નિર્ણય લેશે. જો નાદારીના કાયદા હેઠળ આરકોમ સામે લોન રિકવરીની પ્રક્રિયા શરુ થશે તો, સ્વીડન ટેલિકોમ ઈક્વિપમેન્ટ કંપની એરિક્સને તેમને મળેલા 550 કરોડ રૂપિયા પરત આપવા પડશે. મહત્વનું છે કે, સુપ્રીમ કોર્ટના આદેશને પગલે ગત મહિને આરકોમે એરિક્સનને રૂ.550 કરોડની રકમ ચૂકવી હતી.

ન્યાયધીશ એસ.જે. મુખોપાધ્યાયની અધ્યક્ષતામાં નિમાયેલી બે સભ્યોની ખંડપીઠે એવું પણ નોંધ્યું છે કે જો આરકોમ વિરુદ્ધ નાદારીની કાર્યવાહીને મંજૂરી આપવામાં આવશે તો એરિક્શને આ રૂ.550 કરોડ પરત કરવા પડશે. આરકોમે તેની વિરુદ્ધની નાદારીની કાર્યવાહી આગળ વધારવા માટે અરજી કરી છે કારણ કે તે લેણદારોને બાકી લેણાંની રકમ ચૂકવવામાં અસક્ષમ છે.

એક પક્ષ રકમ મેળવે અને અન્ય લેણદારો શા માટે નુકસાન સહન કરે એવું કહેતા NCLATએ જણાવ્યું કે, રિલાયન્સ કોમ્યુનિકેશન્સ વિરુદ્ધની નાદારીની પ્રક્રિયા આગળ વધારવી કે નહીં તે અંગેની મંજૂરી NCLT આપી શકે છે. એપલેટ ટ્રિબ્યુનલે એવું પણ કહ્યું કે, NCLAT આ મામલે વધુ સુનાવણી 30 એપ્રિલના રોજ હાથ ધરશે.

જસ્ટિસ મુખોપાધ્યાયએ સોમવારે કહ્યું કે, જો આરકોમની અપીલ રદ્દ કરી દેવામાં આવશે તો, NCLTમાં નાદારી કાયદા હેઠળ કંપની પાસેથી નાણાં વસૂલવાની પ્રક્રિયા શરુ થશે. આ કાયદા હેઠળ કોઈ પણ પ્રકારની રિકવરી પર પ્રથમ હક્ક આરકોને લોન આપનારી બેંકોનો થશે. એરિક્સન આરકોમની ફાયનાન્શિયલ નહીં પરંતુ ઓપરેશનલ ક્રેડિટર હતી. જેથી તેમનું લેણુ પ્રાયોરિટી લિસ્ટમાં ઘણો નીચે જતુ રહ્યું છે.