ID ફ્રેશ વિશ્વની મોટી ઇડલી ફેક્ટરી બેંગલુરુમાં સ્થાપશે

બેંગલુરુઃ આઇડી ફ્રેશ ફૂડ બેંગલુરુ સ્થિત ખાદ્ય ઉત્પાદનોની કંપની છે. કંપનીએ વર્ષ 2020માં 35 કરોડ ઇડલી 10 કરોડ પરાઠા અને બે કરોડ કપ કોફી વેચી છે, કેમ કે કોરોના રોગચાળાને કારણે એના ઈ-કોમર્સ થકી વેપારમાં વધારો થયો છે. કોવિડ-19 પછી વિદેશોમાં પણ માગ વધતાં કંપનીએ વિસ્તરણ કર્યું હતું. કંપની હવે બેંગલુરુમાં વિશ્વમાં સૌથી મોટી ઇડલી બેટર (ખીરા)ની ફેક્ટરી સ્થાપિત કરી રહી છે, એમ આઇડી ફ્રેશના સ્થાપક અને સીઈઓ પીસી મુસ્તફાએ જણાવ્યું હતું.

નાણાકીય વર્ષ 202021- અમારા માટે સારું હતું. અમે માર્ચ, 2021 સુધી રૂ. 450 કરોડનાં કામકાજનું લક્ષ્ય રાખ્યું છે. કંપનીનું નાણાકીય વર્ષ 2017-18માં ટર્નઓવર રૂ. 182 કરોડથી વધીને રૂ. 286 કરોડ થયું હતું. નાણાકીય વર્ષ 2021માં રૂ. 330 કરોડની આવક થવાની અપેક્ષા છે. અમારી દિલ્હી, કોલકાતા અને અમદાવાદના બજારમાં પ્રવેશ કરવાની ઇચ્છા છે. કોરોના રોગચાળાને કારણે અમારી યોજના થોડી ધીમી પડી છે. આઇડીના ઇતિહાસમાં પહેલી વાર એવું થયું છે કે પરાંઠા કરતાં ઇડલી થકી આવક વધુ થઈ છે. અમે ઓમાનના મસ્કતના બજારમાં વિસ્તરણ કર્યું છે અને હવે સાઉદી અને કતારના બજારમાં પ્રવેશવાની યોજના છે. આઇડી કોફી અમેરિકા અને યુરોપમાં ઉપલબ્ધ છે, એમ તેમણે કહ્યું હતું.