શહેરોમાં મકાનની માગ ઘટી રહી છેઃ રિયલ એસ્ટેટ બેહાલ

નવી દિલ્હીઃ આ પ્રકારનો આ ચોથો રીપોર્ટ છે જેમાં 2019ના ત્રીજા ત્રિમાસિકગાળામાં મકાન વેચાણમાં ઘટાડો નોંધાયો છે. આ પહેલાના ત્રિમાસિકગાળામાં એક અહેવાલ મુજબ ક્રમશઃ 27 ટકા અને 18 ટકાના ઘટાડાની જાણકારી આપવામાં આવી હતી.

દેશના મુખ્ય નવ શહેરોમાં જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકગાળામાં મકાનોનું વેચાણ 9.5 ટકા ઘટીને 52,855 એકમનું રહ્યું હતું. રીયલ એસ્ટેટ સાથે જોડાયેલ ઓનલાઈન મંચ પ્રોપઇક્વિટીએ પોતાના રીપોર્ટમાં આમ જણાવ્યું હતું. આર્થિક મંદી અને રોકડની ઉપલબ્ધતાના સંકટના પગલે ગ્રાહકો અંગેની ધારણાઓ પર અસર પડી છે.

રીપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે જુલાઈ-સપ્ટેમ્બર 2019માં મકાનોનું વેચાણ 9.5 ટકા ઘટીને 52,855 એકમ રહ્યું તે પહેલાના એક વર્ષમાં 58,461 મકાનોનું વેચાણ થયું હતું. ગ્રાહકો મકાન ખરીદી ટાળી રહ્યાં હોવાતી માગ પર અસર પડી છે. દેશના સાત શહેરમાં મકાન વેચાણમાં ઘટાડો થયો છે જ્યારે બે શહેરમાં તેજી આવી છે.

ચેન્નઇમાં જુલાઈ-સપ્ટેમ્બર 2019 દરમિયાન મકાન વેચાણમાં સૌથી વધુ 25 ટકા ઘટીને 3.060 એકમ વેચાણ નોંધાયું હતું. જ્યારે આ જ અવધિમાં એક વર્ષ પહેલાં 4,080 મકાન વેચાયાં હતાં. મુંબઈમાં મકાન વેચાણ 22 ટકા ઘટીને 5,063, હૈદરાબાદમાં 16 ટકા ઘટીને 4,257, કોલકાતામાં 12 ટકા ઘટીને 3,059, નોઇડામાં 11 ટકા ઘટીને 990 એકમ વેચાણ થયું હતું. આ પ્રકારે બેંગ્લૂરુ અને થાણેમાં પણ મકાન વેચાણમાં ઘટાડો થઈ ગયો છે.

જોકે ગુરુગ્રામમાં 7 ટકા વેચાણ ઉછાળો દેખાયો છે.જ્યાં ગત સાલના 1,112 એકમથી વધીને 1,190 મકાન વેચાયાં છે. તો પૂણેમાં પણ એક ટકા વધારો નોંધાવતાં 14,523 એકમથી વધી 14,669 એકમ વેચાણ થયું હતું.