આવતા વર્ષે દેશભરમાં ભરતીઓમાં ઉછાળો આવશેઃ નોકરી.કોમ

મુંબઈઃ જાણીતા જોબ પોર્ટલ નોકરી.કોમ દ્વારા હાથ ધરાયેલા હાયરિંગ આઉટલૂક સર્વેના તારણ અનુસાર, 26 ટકા માલિકોનું માનવું છે કે આવતા ત્રણથી છ મહિનામાં લોકોને નોકરીઓ પર રાખવાની પ્રવૃત્તિમાં ઉછાળો આવશે, કારણ કે મોટા કદના ઉદ્યોગો કોવિડ-19ના સંકટે સર્જેલી અસરમાંથી બહાર આવી રહ્યા છે. 34 ટકા માલિકોનું કહેવું છે કે એમની કંપનીઓ-સંસ્થાઓને છથી 12 મહિના લાગશે. આ તારણથી નોકરીવાંચ્છુઓએ આવતા વર્ષ માટે આશાવાદી બનવું જોઈએ. સર્વેક્ષણમાં 1,327 માલિકો અને કન્સલ્ટન્ટ્સને સામેલ કરવામાં આવ્યા હતા.

કોર્પોરેટ કંપનીઓને પણ 2021માં વધુ સારા પરિણામની આશા

દરમિયાન, દેશના વેપાર-ઉદ્યોગ ક્ષેત્રના સંગઠનોની રાષ્ટ્રીય સંચાલક સંસ્થા FICCI (ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી) અને ધ્રુવા એડવાઈઝર્સ કંપનીએ હાથ ધરેલા એક સર્વેક્ષણ પરથી એવું માલૂમ પડ્યું છે કે અર્થતંત્રને વધુ ખુલ્લું મૂકવામાં આવી રહ્યું હોવાથી અને આત્મનિર્ભર ભારત પેકેજ અંતર્ગત અનેક પગલાં અમલમાં મૂકાયા હોવાથી ઉદ્યોગોની કામગીરી સતત સુધરી રહી છે અને આવતા વર્ષે વધારે સારા પરિણામો જોવા મળશે એવી ધારણા છે.