શેરબજારમાં ભારે વેચવાલીઃ સેન્સેક્સ વધુ 205 પોઈન્ટ ગબડ્યો

અમદાવાદ– શેરબજારમાં આજે નરમાઈ વધુ આગળ વધી હતી. ગ્લોબલ માર્કેટના નેગેટિવ ન્યૂઝ અને રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ધીરાણ નીતિમાં વ્યાજ દરમાં કોઈ ફેરફાર કર્યો નથી, પરિણામે તેજીવાળા ખેલાડીઓએ વેચવાલી કાઢી હતી, અને શેરોના ભાવ વધુ ઘટ્યા હતા. ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 205.26(0.63 ટકા) ગબડી 32,597.18 બંધ રહ્યો હતો. તેમજ નિફટી 74.15(0.73 ટકા) તૂટી 10,044.10 બંધ થયો હતો.આરબીઆઈએ રેપો રેટ 6 ટકા અને રીવર્સ રેપો રેટ 5.75 ટકા યથાવત રાખ્યો છે. ધીરાણ નીતિમાં કોઈ ફેરફાર ન આવતાં બેંક શેરોમાં જોરદાર વેચવાલી ફરી વળી હતી, તેમજ આરબીઆઈએ પૉલીસી સ્ટેટમેન્ટમાં કહ્યું છે કે રાજ્યો દ્વારા ખેડૂતોના દેવા માફી લાગુ કરવા, પેટ્રોલિયમ પ્રોડક્ટ પર એક્સાઈઝ ડયૂટી અને વેટ ઓછો થતાં તેમજ કેટલાક ઉત્પાદનો પર જીએસટી રેટ ઘટતા સરકારને કુલ આવકમાં ઘટાડો થશે અને ફીસ્કલ ડેફિસીટમાં વધારો થશે. જેનાથી મોંઘવારીમાં વધારો થવાનો ભય છે. મોંઘવારી વધવાના ભય પાછળ શેરબજારનું સેન્ટિમેન્ટ વધારે ખરડાયું હતું. બીજી તરફ એશિયાઈ સ્ટોક માર્કેટ સહિત બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ માઈનસ હતા. જેને પરિણામે આઈટી સેકટર સિવાયના તમામ સેકટરના શેરોમાં ભારે વેચવાલીથી ગાબડુ પડ્યું હતું.

  • ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો શેરબજારના સેન્ટિમેન્ટ માટે મહત્વની ભૂમિકા નિભાવશે.
  • હાલ સર્વે મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો અનિશ્રિતતાભર્યા છે.
  • કોર્પોરેટ ટેક્સ ઘટાડવાની માંગ કરાઈ છે.
  • આજે ઘટતાં બજાર પણ આઈટી અને ટેકનોલોજી સેકટરના શેરોમાં નવી લેવાલીનો ટેકો હતો, આઈટી એન્ડ ટેકનોલોજી સેકટરના ઈન્ડેક્સ પ્લસ બંધ રહ્યા હતા.
  • આજે સૌથી વધુ બેંક સેકટરના શેરોમાં ભારે વેચવાલી ફરી વળી હતી. બીએસઈ બેન્કેક્સ 348 પોઈન્ટ તૂટ્યો હતો.
  • રોકડાના શેરોમાં જોરદાર વેચવાલી ફરી વળી હતી. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 149.19 ઘટ્યો હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 117.88 માઈનસ બંધ હતો.