રેસ્ટોરન્ટ માલિકો ધડાધડ લોગઆઉટ થતાં ઝોમેટો ફફડી ગઈ: માલિકોને કહ્યું, ‘ચાલો સમાધાન કરીએ’

મુંબઈ – રેસ્ટોરન્ટ માલિકો અને એગ્રીગેટર્સ વચ્ચે વધી ગયેલી તંગદિલી વચ્ચે ઓનલાઈન ફૂડ ઓર્ડરિંગ પ્લેટફોર્મ ઝોમેટોએ કહ્યું છે કે પોતે કરેલી ભૂલોને સુધારવા માટે તૈયાર છે. આ સાથે તેણે રેસ્ટોરન્ટ માલિકોને અપીલ કરી છે કે તેઓ ઝોમેટોને લોગ-આઉટ કરવાની એમની ઝુંબેશનો અંત લાવી દે.

ઈન્ટરનેટ એગ્રીગેટર્સ દ્વારા ગ્રાહકોને અપાતા વધુપડતા અને રેસ્ટોરન્ટ માલિકોને પરવડી ન શકે એવા ડિસ્કાઉન્ટના મામલે  દેશભરમાં અનેક મોટા શહેરોમાં 1,200થી વધારે રેસ્ટોરન્ટોએ ઓનલાઈન પ્લેટફોર્મ્સના ડાઈન-ઈન કાર્યક્રમોમાંથી પોતાને ડીલિસ્ટ કરી નાખ્યા છે. આ ઝુંબેશમાં મુંબઈ તથા પડોશના પુણે શહેરની અનેક હોટલ અને રેસ્ટોરન્ટના માલિકો જોડાયા છે.

આ ઝુંબેશને કારણે ઝોમેટોએ અસંખ્ય રેસ્ટોરન્ટ ગુમાવી દીધી છે.

ઝોમેટોના સ્થાપક દીપિન્દર ગોયલે અનેક ટ્વીટ્સ કરીને રેસ્ટોરન્ટ માલિકો સાથે સમાધાનની વાતો કરી છે.

એમણે કહ્યું છે કે મને એ વાતનું દુઃખ થયું છે કે રેસ્ટોરન્ટ ઉદ્યોગમાં મારા જેવા યુવાન ઉદ્યોજકો આટલી હદે દબાણનો અનુભવ કરી રહ્યા છે કે એમણે આવી ઝુંબેશ શરૂ કરવી પડી. અમે એક એવી કંપનીનું સર્જન કર્યું છે જે ગ્રાહકો પર તેમજ બિઝનેસ માલિકો ઉપર પણ વ્યાપક રીતે જોરદાર અસરનું નિર્માણ કરી શકે.

ઉલ્લેખનીય છે ઝોમેટોએ ઝોમેટો ગોલ્ડ નામે એક સ્કીમ શરૂ કરી છે, પણ એને કારણે દેશભરમાં અનેક રેસ્ટોરન્ટ પાર્ટનરો નારાજ થયા છે. એકલા પુણે શહેરમાં જ 450 હોટલમાલિકો ઝોમેટો એપમાંથી લોગઆઉટ થઈ ગયા છે.

150 જેટલી હોટલ-રેસ્ટોરન્ટ્સ બંધ કરવાની નોબત આવી ગઈ છે.

ઝોમેટોએ તેના ગ્રાહકો વધારવા માટે ઝોમેટો ગોલ્ડ સ્કીમ શરૂ કરી છે, જેમાં ગ્રાહકોને ઘણી સવલતો આપી છે, પરંતુ રેસ્ટોરન્ટ માલિકો માટે એ મોંઘી સાબિત થઈ છે. ઝોમેટો ગોલ્ડ સ્કીમમાં દેશભરમાંથી 10 લાખ લોકો જોડાયા છે.

ઝોમેટો ગોલ્ડ સ્ક્રીમનો ઉપયોગ કરનારાઓને હોટલ-રેસ્ટોરન્ટ્સમાં ફૂડ્સ અને ડ્રિન્ક્સ (શરાબ) લેનાર ગ્રાહકોને પહેલા બિલમાં 50 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. પરંતુ ગ્રાહકો એક હોટલમાંથી ભોજન અને બીજી હોટલમાંથી ડ્રિન્ક્સ લઈને બેવડો લાભ ઉઠાવી રહ્યા છે. આને કારણે હોટલમાલિકોને આ યોજના બહુ મોંઘી પડી ગઈ છે.

આ સ્કીમમાં ઝોમેટોની શરતો અને નિયમોનું પાલન કરવાનું રેસ્ટોરન્ટ માલિકો માટે મુશ્કેલ બની ગયું છે.

માલિકોનું કહેવું છે કે ઝોમેટો દ્વારા એના સભ્યોને જે સુવિધા ઓફર કરાય છે એને કારણે ટેબલ રીઝર્વેશન સેવાઓને માઠી અસર પડી છે, પરિણામે એમના ધંધામાં નુકસાન ગયું છે.

રેસ્ટોરન્ટ માલિકોએ આ વિશે ઝોમેટોને ફરિયાદ કરી હતી, પણ એની પર ધ્યાન ન અપાતાં રેસ્ટોરન્ટ માલિકોએ આ એપ પરથી લોગઆઉટ થવાનું નક્કી કર્યું છે.

ઝોમેટો ગોલ્ડ મેમ્બરશિપ સ્કીમ અંતર્ગત ઝોમેટો એપ્લિકેશન-કંપની સભ્યોને એટલે કે ગ્રાહકોને ફૂડ અને ડ્રિન્ક્સ પર 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપે છે. આ સ્કીમમાં ગ્રાહક ઓર્ડર આપે એટલે એને ડિસ્કાઉન્ટ મળે છે. હોટલ અને રેસ્ટોરન્ટ માલિકોનાં રાષ્ટ્રીય સ્તરના એસોસિએશનનું કહેવું છે કે આ સ્કીમને કારણે એમને ઘણું આર્થિક નુકસાન જાય છે. માટે જ રેસ્ટોરન્ટ માલિકો ઝોમેટો ગોલ્ડ, ઈઝી ડાઈનર અને ડાઈનઆઉટ ગૌરમેટ પાસપોર્ટ જેવા પ્લેટફોર્મ્સ પરથી લોગઆઉટ થઈ રહ્યા છે.

સેંકડો રેસ્ટોરન્ટ માલિકોએ લોગઆઉટ કરી દેતાં ઝોમેટોનાં માલિક અને સીઈઓ દીપીન્દર ગોયલે કબૂલ કર્યું છે કે એમનાથી ભૂલ થઈ છે. તેઓ હવે પ્રીમિયમ સબ્સક્રિપ્શન સ્કીમ ઝોમેટો ગોલ્ડમાં સુધારો કરાવશે. એક ટ્વીટમાં એમણે લખ્યું છે કે ક્યાંકને ક્યાંક અમારાથી ભૂલ થઈ છે. જે રીતે અમે પ્લાન કર્યો હતો એ પ્રમાણે બધું થયું નથી. અમારે માટે આ એક એલાર્મ છે. અમારે અમારા રેસ્ટોરન્ટ પાર્ટનર્સ માટે જેટલું કામ કર્યું છે એના કરતાં 100 ગણું વધારે કરવાનું છે.

ગોયલનું કહેવું છે કે, અમે રેસ્ટોરન્ટ માલિકોને અનુરોધ કરીએ છીએ કે તેઓ લોગઆઉટ ઝુંબેશને અટકાવી દે. આવો, આપણે સાથે બેસીને ચર્ચા કરીએ અને એક સ્થાયી રસ્તો શોધી કાઢીએ.

પરંતુ રેસ્ટોરન્ટ માલિકોજોગ કરેલા શ્રેણીબદ્ધ ટ્વીટ્સમાં દીપિન્દર ગોયલે ગ્રાહકો માટે બારગેન હન્ટર્સ શબ્દો વાપરતાં ગ્રાહકો પણ ભડકી ગયાં છે. ઘણા યૂઝર્સે કહ્યું છે કે ગોયલે બારગેન હંટર્સ શબ્દો વાપરીને પોતાના જ ગ્રાહકોનું અપમાન કર્યું છે.