ઓટો સેક્ટરમાં જીએસટી દરને લઈને ઈન્ડસ્ટ્રી અને રાજ્યસરકારો સામ સામે

નવી દિલ્હી-  20 સપ્ટેમ્બરે ગોવામાં જીએસટી કાઉન્સિલની મહત્વપૂર્ણ બેઠક મળવા જઈ રહી છે. કાઉન્સિલની આ 37મી બેઠક છે. ઓટો ઈન્ડસ્ટ્રી કાર પર લાગતા 28 ટકા જીએસટીને ઘટાડીને 18 ટકા કરવાની માગ કરી રહ્યું છે, બેઠકમાં આ મુદ્દા પર ચર્ચા થશે. જોકે, કેટલાક રાજ્યોની સરકારો જીએસટી દરમાં ઘટાડાનો વિરોધ કરી રહી છે.

દિલચસ્પ વાત એ છે કે, ઓટો સેક્ટર માટે જીએસટી દરમાં ઘટાડાનો વિરોધ તમિલનાડુ અને ગુજરાત જેવા મોટા ઓટો હબ વાળા રાજ્યો નથી કરી રહ્યાં પરંતુ, કેરળ, યૂપી અને અન્ય રાજ્યો કરી રહ્યાં છે. જીએસટીની ફિટમેન્ટ કમિટી પહેલા થી જ ઓટો સેક્ટર માટે જીએસટી દરમાં ઘટાડા પર વિચાર કરી રહી છે, પરંતુ કાઉન્સિલના સભ્યો અને કેટલાક રાજ્યોના નાણાપ્રધાનો આની વિરુદ્ધ છે. દર ઘટવાથી રાજ્યોને મહેસૂલ કલેક્શનમાં મોટુ નુકસાન થશે. ઓટો ઈન્ડસ્ટ્રીની માગ છે કે, વેચાણમાં આવેલા ઘટાડાને સમાપ્ત કરવા માટે જીએસટી દર ઘટાડીને 18 ટકા કરવામાં આવે.

ફિટમેન્ટ સમિતિ મુજબ, દરમાં ઘટાડાથી ટેક્સ કલેક્શનમાં 20 હજાર કરોડ રૂપિયાથી વધુનો ઘટાડો આવશે. ઓગસ્ટ 2019માં ગ્રોસ જીએસટી કલેક્શન 98,202 કરોડ રહ્યુ, જે ગત વર્ષે આ સમાન સમયગાળા દરમિયાન 93,960 કરોડ હતું.

મહત્વનું છે કે, જીએસટી દરમાં કોઈપણ ઘટાડો સૌ પહેલા જીએસટી ફિટમેન્ટ કમિટી મંજૂર કરશે ત્યારબાદ જીએસટી કાઉન્સિલ. વર્તમાનમાં ઓટો ઈન્ડસ્ટ્રી ખરાબ સ્થિતિમાંથી પસાર થઈ રહી છે. અંદાજે છેલ્લા 1 વર્ષથી આ સેક્ટરના વેચાણમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ જ કારણે ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકો જીએસટી દરમાં ઘટાડાની ઉગ્ર માગ કરી રહ્યાં છે.

એક ઓટો કંપનીના ટોચના અધિકારીના જણાવ્યા અનુસાર ગ્રાહક કંપની પાસેથી કિંમતમાં ઘટાડાની અપેક્ષા રાખે છે, તેની સામે ઓટો નિર્માતા ડિસ્કાઉન્ટ આપી શકે તેવી સ્થિતિમાં નથી. એટલા માટે સરાકારે શક્ય એટલી જલ્દી સ્થિતિ સ્પષ્ટ કરવી જોઈએ. જો ટેક્સમાં ઘટાડો ન થયો તો ઓટો ઈન્ડસ્ટ્રીએ ગ્રાહકોની અપેક્ષાઓને સંતોષવા અન્ય વિકલ્પો શોધવા પડશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]