મુંબઈ – ગઈ 22 ડિસેંબરે જીએસટી કાઉન્સિલની બેઠકમાં અનેક ચીજવસ્તુઓ અને સેવાઓ પરનો ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ ઘટાડી દીધા બાદ કેન્દ્ર સરકાર વેપારીઓ અને આમજનતાને રાહત આપવાની છે. એ માટેના નોટિફિકેશન સોમવારે બહાર પાડવામાં આવે એવી ધારણા છે. નોટિફિકેશન બહાર પડી ગયા બાદ 1 જાન્યુઆરીથી લોકોને રાહત મળવાનું શરૂ થશે. સૌથી મોટો લાભ બચત ખાતા અને જનધન ખાતા ધારકોને થશે.
જીએસટી કાઉન્સિલના નિર્ણય અનુસાર, આવા એકાઉન્ટ ધારકોએ ચેકબૂક, એટીએમ કાર્ડ, એસએમએસ એલર્ટ તથા અન્ય બેન્કિંગ સુવિધાઓ પર જીએસટી ચૂકવવાનો નહીં રહે.
જીએસટી કાઉન્સિલે અન્ય કેટલીક ચીજવસ્તુઓ ઉપરનો જીએસટી દર પણ ઘટાડી દીધો છે.
32 ઈંચ સાઈઝ સુધીના ટીવી સેટ, મોનિટર્સ, પાવર બેન્ક્સ, ડિજિટલ કેમેરા પરનો જીએસટી ઘટાડી દેવાતાં આ ચીજવસ્તુઓ સસ્તી થશે. આ ઉપરાંત વેપારીઓને રીટર્ન્સ ફાઈલ કરવા માટે આપવી પડતી લેટ ફી પણ હવે વસૂલ કરવામાં નહીં આવે. જે વેપારીઓ 22 ડિસેંબર બાદ રિટર્ન્સ ફાઈલ કરશે અથવા 31 માર્ચ સુધી જૂના રિટર્ન્સ ફાઈલ કરશે એમને લેટ ફી લગાડવામાં નહીં આવે.
અત્યાર સુધીમાં, કોઈ પણ પ્રકારના શૂઝ અને સેન્ડલ્સ (પગરખા)ની MRP પર જીએસટી લગાડવામાં આવતો હતો, પરંતુ નવા વર્ષથી જીએસટી બેઝ કિંમત પર લગાડવામાં આવશે. આમ, રીટેલરો ચીજવસ્તુઓ ઓછી કિંમતે વેચી શકશે.
જે વેપારીઓનું ટર્નઓવર રૂ. દોઢ કરોડ સુધીનું હોય તેઓ એમની અનુકૂળતાએ માસિક ટેક્સ અને ત્રિમાસિક રિટર્ન્સ સબમીટ કરી શકશે. આમ, તેઓ જ્યારે ત્રિમાસિકમાં રિટર્ન ફાઈલ કરે ત્યારે ચૂકવણી માટેના ટેક્સની ઉચિત રીતે ગણતરી કર્યા બાદ પૂરેપૂરી રકમનો ટેક્સ આપી શકશે.
– શાકભાજી (થીજાવેલા, બ્રાન્ડેડ) પરનો જીએસટી હવે શૂન્ય.
– ઓટોમોબાઈલ પાર્ટ્સ પરનો જીએસટી 28 ટકાથી ઘટાડી 18 ટકા
– મૂવી ટિકિટો સસ્તી થશે. રૂ. 100 સુધીની ટિકિટ પરનો જીએસટી 12 ટકા, 100થી વધુની કિંમતની ટિકિટ પર 18 ટકા જીએસટી લાગશે. જે અગાઉ અનુક્રમે 18 અને 28 ટકા હતો.
– કમ્પ્યુટર મોનિટર્સ અને 32 ઈંચના ટીવી સ્ક્રીન્સ સસ્તા થશે
– ધાર્મિક હેતુ માટેની વિમાન સફર પરનો જીએસટી 18 ટકાથી ઘટાડી 12 ટકા.
– વાહનો માટેના ટાયર્સ પરનો જીએસટી 28ને બદલે 18 ટકા.
– પાવર બેન્ક્સ પરનો જીએસટી હવે 18 ટકા.
– થર્ડ પાર્ટી મોટર ઈન્સ્યૂરન્સ પરનો જીએસટી 28 ટકાથી ઘટાડી 18 ટકા