જાહેર ક્ષેત્રની બેન્કોમાં મેગા મર્જરઃ 10 બેન્કોનું વિલિનીકરણ કરી 4 મોટી બેન્ક બનાવાશે

નવી દિલ્હી – કેન્દ્ર સરકારે આર્થિક સ્તરે આજે મોટા સુધારાવાદી પગલું ભર્યું છે. તેણે જાહેર ક્ષેત્રની 10 બેન્કોનું વિલિનીકરણ કરીને એમાંથી ચાર મોટી બેન્ક બનાવીને મેગા-મર્જર હાથ ધર્યું છે. આમાં, પંજાબ નેશનલ બેન્ક, ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ અને યુનાઈટેડ બેન્ક મર્જ થઈને દ્વિતીય નંબરની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેન્ક બનશે. જ્યારે કેનેરા બેન્ક અને સિન્ડીકેટ બેન્ક વિલીન થતાં ચોથા નંબરની સૌથી મોટી PSU (પબ્લિક સેક્ટર યુનિટ) બેન્ક બનશે. સૌથી મોટું બેન્ક મર્જર સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાનું હતું.

મર્જરની શ્રેણીઓની કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને આજે અહીં પત્રકારો સમક્ષ જાહેરાત કરી હતી. આ શ્રેણીમાં અન્ય મર્જર છે બીજી ત્રણ બેન્કોનું – જેમાં યુનિયન બેન્ક, કોર્પોરેશન બેન્ક અને આંધ્ર બેન્ક મર્જ થઈને પાંચમા નંબરની સૌથી મોટી PSU બેન્ક બનશે જ્યારે ઈન્ડિયન બેન્ક અને અલાહાબાદ બેન્ક પણ એકબીજામાં વિલીન થશે અને તે બનશે સાતમા નંબરની સૌથી મોટી PSU બેન્ક.

વિલિનીકરણ પૂરું થયા બાદ જાહેર ક્ષેત્ર એકમની બેન્કોની સંખ્યા 27 પરથી ઘટીને 12 થઈ જશે.

જ્વેલરી ઉદ્યોગના મહારથી નીરવ મોદીએ કરેલી 2 અબજ ડોલર જેટલી રકમની છેતરપીંડીમાંથી પીએનબી રકમ પાછી મેળવવાના પ્રયાસમાં છે તેવામાં આ મર્જર કરવામાં આવ્યું છે.

સીતારામને કહ્યું કે, આ વિલિનીકરણ નિર્ણયોથી બેન્કોની મૂડીનો વધારે સરસ રીતે વહીવટ કરી શકાશે.

સીતારામને સરકારી બેન્કોમાં અનેક વહીવટીય સુધારાની પણ જાહેરાત કરી છે. એમણે એવી આશા વ્યક્ત કરી છે કે સરકાર આ બેન્કોને જે ભંડોળ પૂરું પાડશે એનાથી બેન્કોની આર્થિક મજબૂતી વધશે.


સરકાર હસ્તકની આ બેન્કોનાં આ ચાર મોટાં મર્જર કરારવામાં આવ્યા છેઃ

મર્જર ૧

પંજાબ નેશનલ બેન્ક, ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ, યુનાઈટેડ બેન્ક

(પંજાબ નેશનલ બેન્ક એન્કર બેન્ક રહેશે)

————————

મર્જર ૨

કેનેરા બેન્ક, સિન્ડીકેટ બેન્ક

(કેનેરા બેન્ક એન્કર બેન્ક રહેશે)

——————————-

મર્જર ૩

યુનિયન બેન્ક, આંધ્ર બેન્ક, કોર્પોરેશન બેન્ક

(યુનિયન બેન્ક એન્કર બેન્ક રહેશે)

——————————-

મર્જર ૪

ઈન્ડિયન બેન્ક, અલાહાબાદ બેન્ક

(ઈન્ડિયન બેન્ક એન્કર બેન્ક રહેશે)


દેશમાં જાહેર ક્ષેત્રની તમામ બેન્કો પરનું 82 ટકા નિયંત્રણ આ સંયુક્ત બેન્કો પાસે રહેશે. જ્યારે તમામ કમર્શિયલ બેન્ક વ્યાપારનો 56 ટકા અંકુશ આ સંયુક્ત બેન્કોનો રહેશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]