જનઔષધિ કેન્દ્ર ખોલવા મળી રહી છે અઢી લાખની સહાય…

નવી દિલ્હીઃ નવા વર્ષમાં ઔષધિના ક્ષેત્રમાં ઉદ્યમી બનવાની તક સરકાર આપી રહી છે. આગામી 31 માર્ચ સુધીમાં સરકાર જનઔષધિ કેન્દ્ર માટે 478 કેન્દ્ર ખોલવાની છે અને આ કામ માટે સરકાર દ્વારા સહાયતા રકમ પણ આપવામાં આવે છે. જનઔષધિ કેન્દ્ર ખોલવાનું કામ બ્યૂરો ઓફ ફાર્મા પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ ઓફ ઈન્ડિયાની દેખરેખમાં કરવામાં આવે છે કે જે ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માની એક ઉપરી શાખા છે.

બીપીપીઆઈ દ્વારા કેન્દ્ર ખોલનારા ઉદ્યમીને 2.5 લાખ રુપિયા સુધીની સહાયતા આપવામાં આવે છે જે વિક્રય આધારિત છે તેમજ પ્રતિમાહ અધિકતમ 10,000 રુપિયા સુધી સીમિત છે. ઉપરાંત વ્યાપાર માર્જિન 20 ટકા છે જેથી આ એક આકર્ષક વ્યાપાર બની શકે.

પરિયોજનાથી જોડાયેલા મુખ્ય કાર્યપાલક અધિકારીએ જણાવ્યું કે 4 ડિસેમ્બર 2018 સુધી જનઔષધિ કેન્દ્રની સંખ્યા 4522 થઈ ચૂકી છે અને 31 માર્ચ 2019 સુધી 5000 કેન્દ્ર ખોલવાનું અને દેશના દરેક જિલ્લા સુધી પહોંચવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. એટલે કે આવનારા ત્રણ મહિનામાં 478 નવા કેન્દ્ર ખોલવામાં આવશે. બીપીપીઆઈ જન ઔષધિ કેન્દ્રના સુગમ સંચાલન માટે અત્યાધુનિક સોફ્ટવેર પણ પ્રદાન કરે છે.

કોઈપણ વ્યક્તિ, એનજીઓ અથવા ફર્મ કે જેની પાસે 120 વર્ગ ફૂટની દુકાન તેમ જ એક ફાર્માસિસ્ટ હોય તે જનઔષધિ કેન્દ્ર ખોલી શકે છે. આ પ્રક્રિયા પૂર્ણ રીતે ઓનલાઈન છે. આ મામલે વધુ જાણકારી janaushadhi.gov.in વેબસાઈટ પરથી પ્રાપ્ત કરી શકાશે.

વર્ષ 2015માં જનઔષધિ કેન્દ્રોની સંખ્યા માત્ર 99 હતી જે 4 ડિસેમ્બર 2018 સુધી 4522 થઈ ગઈ. પ્રધાનમંત્રી જનઔષધિ પરિયોજનાના ટર્નઓવરમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. નાણાકીય વર્ષ 2015-16માં આ ટર્ન ઓવર માત્ર 12.16 કરોડ રુપિયા હતું જે નાણાકીય વર્ષ 2018-19માં એપ્રિલથી લઈને 4 ડિસેમ્બર સુધી 177.76 કરોડના સ્તર સુધી પહોંચી ગયું હતું.

જનઔષધિ દવાઓ, બજારના ત્રણ શીર્ષ દવા બ્રાંડના સરેરાશ મુલ્યથી ન્યૂનતમ 50 ટકા સુધી સસ્તી રહે છે. કેટલીક દવાઓમાં આ અંતર 90 ટકા છે. નાણાકિય વર્ષ 2017-18માં આ યોજના અંતર્ગત આશરે 140.84 કરોડ રુપિયાની દવાઓનું વેચાણ કરવામાં આવ્યું.