જીએસટીને બે વર્ષ પૂરા થયાઃ રાષ્ટ્રીય કરવેરા પદ્ધતિમાં સોમવારે વધુ સુધારા જાહેર કરાશે

નવી દિલ્હી – ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી) પદ્ધતિ દેશભરમાં લાગુ કરવામાં આવ્યાને બે વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે કેન્દ્રીય નાણાં મંત્રાલય આવતીકાલે આ પરોક્ષ વેરા પદ્ધતિમાં વધારે સુધારા જાહેર કરવાની છે.

સરકાર નવી રિટર્ન સિસ્ટમ પ્રસ્તુત કરવાની છે, કેશ લેજર સિસ્ટમને વ્યવહારુ બનાવશે અને સિંગલ રિફંડ-ડિસ્બર્સિંગ સિસ્ટમ લાગુ કરશે.

આ જાહેરાતો આવતીકાલે એક કાર્યક્રમમાં કરવામાં આવશે, જેમાં કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ અફેર્સ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન અનુરાગ ઠાકુર પ્રમુખપદ સંભાળશે અને એમાં મહત્ત્વનાં તેમજ સંબંધિત વિભાગોનાં સેક્રેટરીઓ તથા અધિકારીઓ હાજરી આપશે.

જીએસટી વેરાપદ્ધતિ લાગુ કરાતાં ભારતીય અર્થતંત્ર માટે તે એક ગેમ ચેન્જર સાબિત થઈ છે. એણે બહુ-સ્તરીય જટિલ પરોક્ષ કરવેરા માળખાનું સ્થાન લીધું છે. નવી જીએસટી પ્રથા સરળ, પારદર્શી અને ટેક્નોલોજી પર આધારિત છે.

નાણાં મંત્રાલયે કહ્યું છે કે નવા સુધારા અંતર્ગત નવી રિટર્ન સિસ્ટમ અજમાયશ ધોરણે 1 જુલાઈથી અમલમાં મૂકવામાં આવશે અને ત્યારબાદ 1 ઓક્ટોબરથી એને ફરજિયાત બનાવવામાં આવશે.

નાના કરદાતાઓ માટે સહજ અને સુગમ રિટર્ન્સ સુવિધા આપવાનો સરકારનો ઉદ્દેશ્ય છે.

સિંગલ કેશ લેજર મામલે સરકાર જે ફેરફાર કરી રહી છે એમાં અગાઉના 20 હેડ્સને પાંચ મોટા હેડ્સમાં મર્જ કરી દેવામાં આવશે.

ટેક્સ, ઈન્ટરેસ્ટ, પેનલ્ટી, ફી તથા અન્યો માટે માત્ર એક જ કેસ લેજર રહેશે.