વાહનોનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે મોંઘુ, ફીમાં અધધ..વધારાની તૈયારી

નવી દિલ્હી– સરકાર પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનોનો ઉપયોગ ઘટાડવા માટે સતત પ્રયત્ન કરી રહી છે. આ મામલે સરકાર તરફથી વધુ ઝટકો લાગી શકે છે. હવેથી વાહનોનું નવુ રજિસ્ટ્રેશન કરાવવું ખૂબ જ મોંઘુ પડશે. રજિસ્ટ્રેશન ચાર્જમાં ભારેભરખમ વધારો કરવાની તૈયારીમાં છે સરકાર. માર્ગ પરિવહન મંત્રાલયે પેટ્રોલ અને ડીઝલથી ચાલતાં મોટાભાગના વાહનોનો કેટેગરી રજિસ્ટ્રેશન ચાર્જ વધારવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ડ્રાફ્ટ નોટિફિકેશનમાં મંત્રાલયે બે પ્રકારના ચાર્જ વધારવાની વાત કરી છે.

ટુવ્હિલર વાહનો માટે નવો રિજસ્ટ્રેશન ચાર્જ 1000 રૂપિયા હશે, જે હાલમાં 50 રૂપિયા છે. રિન્યૂઅલ ચાર્જ 2000 રૂપિયા હશે.  કેબ (પ્રાઈવેટ ટેક્સી)ના મામલે રજિસ્ટ્રેશન ચાર્જ 10,000 રૂપિયા અને રિન્યૂઅલ ફી 20,000 રૂપિયા હશે. વર્તમાનમાં આ માટે 1000 રૂપિયા ફી વસૂલવામાં આવે છે.

સરકારે જૂના વાહનોની રજિસ્ટ્રેસન ફી 5000 રૂપિયાથી વધારીને 40,000 રૂપિયા કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. અગાઉથી જ મંત્રાલય ઈલેક્ટ્રિક અને બેટરીથી ચાલતા વાહનોની રજિસ્ટ્રેશન ફીને ખત્મ કરવાનો નિર્ણય કરી ચૂકી છે. આ સાથે જોડાયેલો ડ્રાફ્ટ પ્રસ્તાવને અધિસૂચિત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પ્રદૂષણ ફેલાવનાર જૂના વાહનોને સ્ક્રેપિંગમાં આપ્યા બાદ નવું વાહન ખરીદનાર ગ્રાહકને પણ રજિસ્ટ્રેશન ફીમાંથી છૂટ આપવામાં આવી છે.

 

સરકારના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર કોમર્શિયલ વાહનોની રિન્યૂઅલ ફીમાં ભારી ભરખમ વધારાનો પ્રસ્તાવ અનેક બાબતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. આનાથી 15 વર્ષથી વધુ જૂના વાહનોના સ્ક્રેપિંગનો વિકલ્પને પસંદ કરવાની રફ્તાર વધશે.